રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને પીએમ કૉન્ગ્રેસની ટીકા કરતા રહ્યા
નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદના બજેટસત્ર દરમ્યાન રાજ્યસભામાં સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનું સંબોધન કર્યું હતું એ દરમ્યાન તેમણે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ટાર્ગેટ કર્યા હતા. પીએમ બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષના સભ્યો ‘મોદી-અદાણી ભાઈ ભાઈ’નો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ પીએમ પોતાની વાત કહેતા રહ્યા હતા.
પીએમ મોદીના ભાષણ દરમ્યાન વિપક્ષોએ જે નારા લગાવ્યા હતા એમાં ‘અદાણી પર મુંહ તો ખોલો, કુછ તો બોલો’ તેમ જ ‘અદાણી પર જવાબ દો’ સામેલ હતા. આવા સૂત્રોચ્ચાર વિશે પીએમ મોદીએ કહ્યું કે ‘આ પ્રકારની પ્રવૃત્તિ કરતા સભ્યોને હું એમ જ કહીશ કે કાદવ તેમની પાસે હતો, મારી પાસે ગુલાબ. જેની પાસે જે હતું એ તેમણે ઉછાળ્યું. સારું છે. જેટલો કાદવ ઉછાળશો, કમળ એટલું વધારે ખીલશે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : વોટર્સ જે કરી શક્યા નહોતા એ ઈડીએ કર્યું છે
વડા પ્રધાને કૉન્ગ્રેસના અધ્યક્ષને ટાર્ગેટ કરતાં જણાવ્યું હતું કે ‘ખડગેજીના મતવિસ્તાર કલબુર્ગીમાં પણ તેમણે કામ થાય છે એ જોવું જોઈએ. કર્ણાટકમાં ૧.૭૦ કરોડ જનધન બૅન્ક ખાતાં ખૂલ્યાં છે, જેમાં કલબુર્ગીમાં ૮ લાખથી વધારે બૅન્ક-ખાતાં સામેલ છે. આટલા બધા લોકો સશક્ત થઈ રહ્યા છે, પરંતુ કોઈનું આટલાં વર્ષો બાદ ખાતું બંધ થઈ જાય તો તેમની પીડા હું સમજી શકું છું. વારંવાર તેમની પીડા છલકાય છે. ક્યારેક-ક્યારેક તેઓ કહે છે કે એક દલિતને હરાવી દીધા. ત્યાંની જનતાએ બીજા દલિતને જિતાડ્યા છે.’