Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીએ ફિલ્મ ‘શોલે’ના સીનને યાદ કરીને કૉન્ગ્રેસની ઠેકડી ઉડાડી

નરેન્દ્ર મોદીએ ફિલ્મ ‘શોલે’ના સીનને યાદ કરીને કૉન્ગ્રેસની ઠેકડી ઉડાડી

03 July, 2024 10:00 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘અરે મૌસી, તીસરી બાર હી તો હારે હૈં... અરે મૌસીજી, ૧૩ રાજ્યોં મેં ઝીરો સીટ આયી હૈ તો ક્યા હુઆ... હીરો તો હૈ ના’

ગઈ કાલે લોકસભામાં બોલતી વખતે વિવિધ મુદ્રામાં નરેન્દ્ર મોદી

ગઈ કાલે લોકસભામાં બોલતી વખતે વિવિધ મુદ્રામાં નરેન્દ્ર મોદી


લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતાં સદનના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિરોધ પક્ષને જોરદાર ફટકાર આપી હતી અને આક્રમક ભાષામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જવાબ આપ્યા હતા. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના બાલકબુદ્ધિ જેવો શબ્દ વાપર્યો હતો.


લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૯૯ બેઠકો મળી એ મુદ્દે હિન્દી ફિલ્મ ‘શોલે’ના ડાયલૉગ્સને ટાંકીને બોલતાં મોદીએ કહ્યું હતું કે દેશની સૌથી જૂની પાર્ટી એને વિજય ગણાવે છે. ‘શોલે’માં જય વીરુનું માગું લઈને બસંતીની મૌસીને મળવા ગયો એ સીનને યાદ કરીને મોદીએ કહ્યું હતું કે ‘અરે મૌસી, તીસરી બાર તો હારે હૈં... અરે મૌસીજી, ૧૩ રાજ્યો મેં ઝીરો સીટ આયી હૈ તો ક્યા હુઆ... હીરો તો હૈ ના.’



રાહુલ ગાંધીનું નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ એક બાળકની સ્ટોરી કહી હતી કે ‘તે ૯૯ માર્ક્સ મેળવીને ઘરે ગયો અને મમ્મીને કહ્યું કે જો, મને ૯૯ માર્ક્સ મળ્યા છે. જોકે આ ૯૯ માર્ક્સ ૧૦૦માંથી નહીં, પણ ૫૪૩માંથી મળ્યા છે. આમ છતાં આ બાળબુદ્ધિ તેને વિજય સમજે છે.’વડા પ્રધાન જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના મેમ્બરો મણિપુરના મુદ્દે સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. મણિપુર, મણિપુર, તાનાશાહી નહીં ચલેગી, મણિપરુ કો ન્યાય દો જેવા નારા વિપક્ષના લોકો લગાવી રહ્યા હતા.


વડા પ્રધાનની સ્પીચ ચાલી રહી હતી ત્યારે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કહ્યું હતું કે ‘મેં તમને સોમવારે ૯૦ મિનિટ સુધી બોલવાની પરવાનગી આપી હતી. સદનના નેતા બોલી રહ્યા છે ત્યારે આમ સૂત્રોચ્ચાર યોગ્ય નથી. પાંચ વર્ષ સુધી આમ નહીં ચાલે.’

વડા પ્રધાન મોદીએ બીજું શું કહ્યું?


  • હું કેટલાક લોકોની પીડા સમજી શકું છું, કારણ કે લગાતાર જૂઠનો પ્રચાર કર્યા બાદ પણ તેમનો પરાજય થયો છે.
  • ઇતિહાસમાં આ રેકૉર્ડ છે કે કૉન્ગ્રેસ સતત ત્રીજી વાર ૧૦૦નો આંકડો પાર કરી શકી નથી, આ સૌથી ખરાબ પરિણામ છે. સારું થાત જો કૉન્ગ્રેસે આનું આત્મમંથન કરીને હાર સ્વીકારી લીધી હોત.
  • નાનું બાળક સાઇકલ પરથી પડી જાય તો મોટી વ્યક્તિ તેને ફોસલાવવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે કીડી મરી ગઈ, ચકલી ઊડી ગઈ; તું સારી સાઇકલ ચલાવે છે. બસ આ રીતે બાળકબુદ્ધિનું મન બહેલાવવામાં આવી રહ્યું છે. કૉન્ગ્રેસ અને એની ઇકો-સિસ્ટમ આ કામ કરી રહી છે.
  • ૨૦૨૪માં કૉન્ગ્રેસને પરજીવી કૉન્ગ્રેસ તરીકે જાણવામાં આવશે, કારણ કે પરજીવી એવો જીવ છે જે બીજા કોઈના શરીરમાં રહે છે અને એનું જ ખાય છે. કૉન્ગ્રેસ પાર્ટી જેની સાથે ગઠબંધન બનાવે છે એને જ ખાઈ જાય છે. ૧૬ રાજ્યોમાં કૉન્ગ્રેસ એકલી લડી છે અને એમાં વોટશૅર પડી ચૂક્યો છે. ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં કૉન્ગ્રેસ પોતાના દમ પર લડી અને માત્ર બે સીટ મેળવી શકી છે.
  • એક બાળક સ્કૂલથી ઘરે આવ્યો અને જોર-જોરથી રડવા લાગ્યો કે મમ્મી મને સ્કૂલમાં મારવામાં આવ્યો છે. માએ પૂછ્યું કે તને શા માટે મારવામાં આવ્યો તો બાળક એ નથી કહેતો કે તેણે કોઈને મા વિશે અપશબ્દો કહ્યા હતા. તે નથી કહેતો કે તેણે કોઈની બુક્સ ફાડી નાખી હતી. તે નથી કહેતો કે તેણે કોઈનું ટિફિન ચોરીને ખાઈ લીધું હતું. આવી બાળકબુદ્ધિની હરકતો સોમવારે સદનમાં જોવામાં આવી હતી. આ બાળકબુદ્ધિનો વિલાપ છે. તેઓ એ નથી કહેતા કે તેમને હજારો કરોડોની હેરાફેરીમાં પકડવામાં આવ્યા હતા અને કોર્ટમાં તેમને માફી માગવી પડી છે.
  • દેશના હિન્દુઓ પર ખોટા આરોપ લગાવવાની કોશિશ ચાલી રહી છે. એમ કહેવામાં આવ્યું કે દેશના હિન્દુ હિંસક છે. શું આ આપના સંસ્કાર છે? આ આપનું ચરિત્ર, આપની સોચ અને આપની નફરત છે.
Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 10:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK