આ પવિત્ર નગરીના એક ચોકનું નામ આ મહાન ગાયિકાના નામ પરથી રાખવામાં આવ્યું
અયોધ્યામાં ગઈ કાલે લતા મંગેશકર ચોક ખાતે ઇન્સ્ટૉલ કરવામાં આવેલી ૪૦ ફુટની વીણા
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે અયોધ્યામાં લતા મંગેશકરની ૯૩મી જન્મતિથિના પ્રસંગે એક ચોકનું લોકાર્પણ કર્યું હતું કે જેનું નામ આ મહાન ગાયિકાના નામ પરથી રાખવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાને કેન્દ્રીય પ્રવાસનપ્રધાન જી કિશન રેડ્ડીની હાજરીમાં ‘લતા મંગેશકર ચોક’નું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ બદલ ઉત્તર પ્રદેશ સરકારને અભિનંદન આપ્યાં હતાં.
વડા પ્રધાને રેકૉર્ડેડ મેસેજમાં જણાવ્યું હતું કે ‘જ્યારે પણ હું લતા મંગેશકરની સાથે વાત કરતો હતો ત્યારે તેમના અવાજની મીઠાશ મને મંત્રમુગ્ધ કરતી હતી.’
ADVERTISEMENT
વડા પ્રધાને શ્રી રામમંદિરના ભૂમિપૂજનને યાદ કરતાં કહ્યું હતું કે એ સમયે તેમને લતાદીદી તરફથી કૉલ આવ્યો હતો અને તેમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. વડા પ્રધાને લતાદીદી દ્વારા ગાવામાં આવેલા ભજન ‘મન કી અયોધ્યા તબ તક સુની, જબ તક રામ ના આયે’ને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે લતાદીદીનું નામ હવે કાયમ માટે અયોધ્યાની પવિત્રનગરીની સાથે જોડાઈ ગયું છે.