સુનીતા વિલિયમ્સ અને ક્રૂ 9ના અવકાશયાત્રીઓએ ફરી એક વાર આપણને દર્શાવ્યું છે કે દૃઢતાનો અર્થ વાસ્તવમાં શું છે. વિશાળ અજ્ઞાત સામે તેમનો અતૂટ સંકલ્પ હંમેશાં લાખો લોકોને પ્રેરિત કરશે
નરેન્દ્ર મોદીએ આજે શૅર કરેલો સુનીતા વિલિયમ્સ સાથેનો જૂનો ફોટો.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને અભિનંદન આપ્યાં હતાં. એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘સ્વાગત છે ક્રૂ 9. પૃથ્વીએ તમને મિસ કર્યાં. આ સાહસ, હિંમત અને અસીમ માનવીય ભાવનાની પરીક્ષા રહી છે. સુનીતા વિલિયમ્સ અને ક્રૂ 9ના અવકાશયાત્રીઓએ ફરી એક વાર આપણને દર્શાવ્યું છે કે દૃઢતાનો અર્થ વાસ્તવમાં શું છે. વિશાળ અજ્ઞાત સામે તેમનો અતૂટ સંકલ્પ હંમેશાં લાખો લોકોને પ્રેરિત કરશે. સુનીતા અને ક્રૂ 9ના અવકાશયાત્રીઓએ જે કર્યું છે એ પ્રેરણાદાયી છે અને તેની વાપસી પર આખા દેશને ગર્વ છે. આ મિશન દર્શાવે છે કે માણસ ધારે તો કંઈ પણ કરી શકે છે. તમારું આ મિશન યુવાનોને વિજ્ઞાન અને અવકાશના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરશે. ભારત પણ અવકાશ ક્ષેત્રે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે અને ભવિષ્યમાં અનેક મહત્ત્વપૂર્ણ મિશન પાર પાડવાનું છે.’
ISROએ સ્વાગત કરીને કહ્યું, તમારા અનુભવોનો ઉપયોગ કરવા માટે અમે આતુર છીએ
ISRO (ઇન્ડિયન સ્પેસ સર્ચ ઑર્ગેનાઇઝેશન)એ પણ સુનીતાની વાપસીનું સ્વાગત કરતાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘વેલકમ બૅક સુનીતા વિલિયમ્સ. સ્પેસ સ્ટેશનમાં એક લાંબા મિશન બાદ સુરક્ષિત પાછા ફરવું એ ઉલ્લેખનીય સિદ્ધિ છે. NASA, સ્પેસઍક્સ અને અમેરિકાનાં અવકાશ મિશનોની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે. તમારો આ પ્રવાસ, તમારી શક્તિ અને સમર્પણ દુનિયાભરના અવકાશ ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રેરિત કરતું રહેશે. ISRO પણ તમને આ દિવસે અભિનંદન આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત દેશ બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ કાર્યમાં અમે સુનીતાના અનુભવોનો ઉપયોગ કરવા આતુર છીએ.’

