અહેવાલ મુજબ, પીએમ મોદીએ બેઠકની અધ્યક્ષતા કરતી વખતે કોરોના વાયરસ સામે જરૂરી સાવચેતી રાખવા અને તકેદારી જાળવવા માટે દરેકને સલાહ આપી હતી. મોદીએ ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી હતી
તસવીર સૌજન્ય: પીટીઆઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોવિડ-19ની સ્થિતિ અને જાહેર આરોગ્ય ક્ષેત્રમાં સજ્જતા પર ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ગૃહપ્રધાન અમિત શાહ, ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, આરોગ્ય રાજ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવાર, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMRના રાજીવ બહેલ, નીતિ આયોગના વીકે પોલ, ગૃહસચિવ અજય ભલ્લા અને PMOના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ મુજબ, પીએમ મોદીએ બેઠકની અધ્યક્ષતા કરતી વખતે કોરોના વાયરસ સામે જરૂરી સાવચેતી રાખવા અને તકેદારી જાળવવા માટે દરેકને સલાહ આપી હતી. મોદીએ ઈન્ફલ્યુએન્ઝાની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી હતી, ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં નોંધાયેલા H1N1 અને H3N2ના વધુ કેસોની પણ તેમણે સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 1134 નવા કેસની પુષ્ટિ થઈ છે, જેને પગલે એક્ટિવ કેસની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 4,46,98,118 કેસ નોંધાયા છે. મંગળવારે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ અને દક્ષિણી રાજ્ય કેરળમાં કોરોના મહામારીને કારણે એક-એક દર્દીનું મોત થયું હતું. આ પછી કોવિડનો મૃત્યુઆંક વધીને 5,30,813 પર પહોંચી ગયો હતો.
આરોગ્ય મંત્રાલયના આંકડા શું સૂચવે છે?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં દૈનિક પોઝિટિવ રેટ 1.09 ટકા છે અને સાપ્તાહિક પોઝિટિવ રેટ 0.98 ટકા છે. કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.79 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા પર યથાવત છે. તે જ સમયે, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.01 ટકાનો સમાવેશ થાય છે. મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં એન્ટી કોવિડ-19 રસીના લગભગ 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: દેશમાં ધીમે-ધીમે ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના, 4 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો
કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી
મંગળવારે દેશમાં કોરોનાના 699 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 2 લોકોના મોત થયા છે. એટલે કે મંગળવારની સરખામણીમાં બુધવારે દેશમાં કોરોનાના વધુ 435 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 662 લોકોએ કોરોનાને હરાવ્યો છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 7026 થઈ ગઈ છે. આ રીતે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 466નો વધારો નોંધવામાં આવ્યો છે.