સીબીઆઇ અને ઈડીના મિસયુઝનો આરોપ મૂકતી અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવાઈ હતી એના સંબંધમાં વડા પ્રધાને આમ જણાવ્યું: તેમણે કે. ચન્દ્રશેખર રાવ પર કેન્દ્ર સરકારના વિકાસ પ્રોજેક્ટ્સમાં અડચણો ઊભી કરવાનો આરોપ પણ મૂક્યો
સિકંદરાબાદમાં ગઈ કાલે વંદે ભારત એક્સપ્રેસમાં સ્કૂલના સ્ટુડન્ટ્સ અને સ્ટાફ સાથે વાતચીત કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. ઃ એ.એન.આઇ.
હૈદરાબાદ ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણની શાસક ભારત રાષ્ટ્ર સમિતિ અને એના અધ્યક્ષ કે. ચન્દ્રશેખર રાવ પર કેન્દ્ર સરકારના વિકાસ પ્રોજેક્ટ્સમાં અડચણો ઊભી કરવાનો અને ‘પરિવારવાદ’ અને ભ્રષ્ટાચાર કરવાનો ગઈ કાલે આરોપ મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના મિસયુઝનો આરોપ મૂકતી વિપક્ષોની અરજીને ફગાવી દીધી હતી ત્યારે એના સંબંધમાં પીએમે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે વિપક્ષોને આંચકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં કેટલીક પૉલિટિકલ પાર્ટીઓ એવું પ્રોટેક્શન મેળવવા માટે અદાલતમાં ગઈ હતી કે ભ્રષ્ટાચારથી ભરેલાં તેમનાં ચોપડાંની કોઈએ તપાસ ન કરવી જોઈએ. તેઓ કોર્ટમાં ગયા હતા, પરંતુ અદાલતે તેમને આંચકો આપ્યો હતો.’
હૈદરાબાદમાં એક જાહેર રૅલીને સંબોધતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સના અમલમાં તેલંગણ સરકાર તરફથી કોઈ સહકાર મળતો ન હોવાથી મને દુઃખ થાય છે. એનાથી તેલંગણના લોકોનાં સપનાંને સાકાર કરવાના પ્રયાસ પર અસર થાય છે. હું રાજ્ય સરકારને તેલંગણના લોકો માટેનાં વિકાસ કામોમાં કોઈ અચડણ ઊભી ન કરવાની અપીલ કરું છું.’
પીએમ ગઈ કાલે અનેક પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન માટે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેલંગણના બીજેપીના અધ્યક્ષ બંદી સંજય કુમાર તેમ જ કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી તેમ જ તેલંગણના પ્રધાન તસલની શ્રીનિવાસ યાદવ દ્વારા તેમને ઍરપોર્ટ પર આવકારવામાં આવ્યા હતા. જોકે મોદીને આવકારવા માટે મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ નહોતા ગયા.
વડા પ્રધાને સિકંદરાબાદ રેલવે સ્ટેશન પરથી સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી પણ આપી હતી. તેમણે ચેન્નઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ૧૨૬૦ કરોડ રૂપિયાના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (પહેલો તબક્કા)નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.