હિમાલયમાં ૯૦૦૦ ફુટની ઊંચાઈએ બરફ પર પ્લાસ્ટિકનો કચરો અને ગુટકાના ડાઘ
વાયરલ તસવીર
હિમાલયમાં ૯૦૦૦ ફુટની ઊંચાઈએ કુદરતી બરફથી ઢંકાયેલા પર્વતો પર પ્લાસ્ટિકનો કચરો, ગુટકા ખાઈને થૂંકવાના ડાઘ અને કચરાના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં મૂકવામાં આવતાં આ મુદ્દે જોરદાર ચર્ચા જાગી છે. રેડિટ નામના પ્લૅટફૉર્મ પર કોઈએ આ સંદર્ભમાં ત્રણ તસવીર શૅર કરી છે અને ભારતમાં ટૂરિસ્ટ-સ્થળો પર કચરાની સમસ્યા, સ્વચ્છતા અને નાગરિક-સમજના અભાવ માટે લોકોની ટીકા કરી છે. આ તસવીરો શૅર કરનારાએ લખ્યું છે કે ‘સમુદ્રની સપાટીથી ૯૦૦૦ ફુટની ઊંચાઈએ ભાગ્યે જ ૧૦૦ પ્રવાસી આવે છે છતાં બરફમાં ગુટકા અને કચરો છે. અહીં આવતા ભારતીય પ્રવાસીઓને પોતાનો કચરો ઉપાડતાં કોણ રોકી રહ્યું છે? મેં તાજેતરમાં તુંગનાથ ટ્રેલ પર આવું જ જોયું હતું. સફેદ બરફ પર દારૂની બૉટલો, ગુટકાનાં પૅકેટ અને ફ્રૂટનાં છોતરાં જોવા મળ્યાં હતાં. આવા લોકોને પટ્ટાથી મારવાની જરૂર છે.’
આ ભાઈએ ઠાલવેલા બળાપા સામે એક જણે ચોટડૂક કમેન્ટ કરી હતી. તેણે લખ્યું : ‘વિદેશમાં આ જ ભારતીયો દંડના ડરથી સારું વર્તન કરે છે.’

