પિઠ્ઠુ, ટટ્ટુ અને પાલખીવાળાઓની ત્રણ દિવસની હડતાળ
વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવા માટે ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રોપવે બાંધવાની યોજના
જમ્મુ અને કાશ્મીરના કટરામાં આવેલા માતા વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવા માટે ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રોપવે બાંધવાની યોજનાના વિરોધમાં ગઈ કાલથી પિઠ્ઠુ, ટટ્ટુ અને પાલખીમાલિકોએ ત્રણ દિવસની હડતાળ શરૂ કરી છે. ગઈ કાલે તેમણે કટરામાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને માગણી કરી હતી કે આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે.
તારાકોટથી સાંઝી છત સુધી રોપવે બાંધવામાં આવે તો પિઠ્ઠુ, ટટ્ટુ અને પાલખીમાલિકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે. આ માર્ગ પર તેઓ વર્ષોથી યાત્રા પર આવતા ભાવિકોને મંદિર સુધી પહોંચાડીને તેમની રોજીરોટી કમાય છે. આ લોકોએ આ પ્રોજેક્ટ સામે તેમનો વિરોધ પહેલાં પણ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
વિરોધકોએ જણાવ્યું હતું કે ‘રોપવેની અવળી અસર અમારા રોજગાર પર થશે એટલે અમારી પાસે એનો વિરોધ કરવા સિવાય કોઈ ઉપાય નથી. અમારી હડતાળને સ્થાનિક લોકોનો પણ ટેકો છે, કારણ કે રોપવેને કારણે તેમના ધંધાને પણ વિપરીત અસર પડશે.’
પોર્ટરોની રોજીરોટીના મુદ્દે એક પિઠ્ઠુમાલિકે કહ્યું હતું કે ‘યાત્રામાં ભાવિકોનો સામાન પકડીને લઈ જતા પોર્ટરોની રોજીરોટી આ યાત્રા-માર્ગ સાથે સંકળાયેલી છે અને રોપવે બનતાં તેઓ શું કરશે એ સવાલ છે. તેઓ અમારી સાથે આ શું કરી રહ્યા છે? તેઓ રોપવે માટે પહાડોને તોડશે? રોપવે બનતાં આશરે ૫૦૦૦ દુકાનદારોના ધંધાને અસર પડશે, કારણ કે તેમની રોજીરોટી આવનારા ભાવિકો પર નભે છે. જો કોઈ રાજકીય નેતા અમને ટેકો આપશે તો અમે ચૂંટણીમાં તેને સપોર્ટ કરીશું. જે લોકોને ગરીબ લોકોની પડી નથી એવા લોકોને અમે આગામી ચૂંટણીમાં હરાવીને જ રહીશું.’
આ મુદ્દે બીજા એક વિરોધકે કહ્યું હતું કે ‘અમે એટલા માટે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે રોપવે પ્રોજેક્ટ અમારી ભાવના અને શ્રદ્ધાને નુકસાન પહોંચાડી રહ્યો છે. શ્રાઇન બોર્ડ જણાવે છે કે એ માત્ર ઘરડા લોકો માટે છે, પણ ઘરડા લોકોને પણ એ જોઈતો નથી. આ પરંપરાને સંભાળવાની વાત છે, વૈષ્ણોદેવી ધામને ટૂરિસ્ટ-સ્પૉટ બનાવવાની વાત નથી.’
૨.૪ કિલોમીટર લાંબો રોપવે
રેલ ઇન્ડિયા ટેક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક સર્વિસ લિમિટેડ (RITES) દ્વારા ૨.૪ કિલોમીટર લાંબા માર્ગ પર રોપવે બાંધવાની બિડિંગ-પ્રોસેસની શરૂઆત કરવામાં આવી છે. આ રોપવે કટરા અને વૈષ્ણોદેવી ધામને માત્ર છ મિનિટમાં જોડી દેશે. હિન્દુઓના આ પવિત્ર તીર્થધામમાં વર્ષે દહાડે એક કરોડથી વધારે ભાવિકો આવે છે અને માતાના દરબારમાં શીશ ઝુકાવે છે.