સુખોઈ-30એમકેઆઇ ઍરક્રાફ્ટના બે પાઇલટ્સ પોતાનો બચાવ કરી શક્યા હતા, જ્યારે મિરાજ-2000ના પાઇલટે જીવ ગુમાવ્યો
મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં ગઈ કાલે સુખોઈ-30એમકેઆઇ અને મિરાજ-2000 ફાઇટર જેટ્સના ક્રૅશના સ્થળે કાટમાળ. તસવીર: પી.ટી.આઇ.
નવી દિલ્હી : ઇન્ડિયન ઍર ફોર્સના બે ફાઇટર પ્લેન્સ સુખોઈ-30એમકેઆઇ અને મિરાજ-2000 ગઈ કાલે સવારે મધ્ય પ્રદેશમાં મોરેના જિલ્લામાં ક્રૅશ થયાં હતાં. આ ટ્રેઇનિંગ મિશન પરનો એક પાઇલટ શહીદ થયો હતો. આ બન્ને ફાઇટર જેટ્સ ક્રૅશ થવાથી ભારતને ૬૭૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુખોઈ-30એમકેઆઇ ઍરક્રાફ્ટના બે પાઇલટ્સ પોતાનો બચાવ કરી શક્યા હતા, જ્યારે મિરાજ-2000ના પાઇલટે જીવ ગુમાવ્યો હતો.
ઇન્ડિયન ઍર ફોર્સે જણાવ્યું હતું કે ‘દુર્ઘટનાનો ભોગ બનેલાં આ બે ઍરક્રાફ્ટ્સ રૂટિન ઑપરેશનલ ફ્લાઇંગ ટ્રેઇનિંગ મિશન પર હતાં. બન્ને ઍરક્રાફ્ટ્સના કુલ ત્રણ પાઇલટ્સ હતા. આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.’
ADVERTISEMENT
મોરેનાના જિલ્લા કલેક્ટર અંકિત અસ્થાનાએ જણાવ્યું હતું કે બન્ને ઍરક્રાફ્ટ્સનો કાટમાળ પહાડગઢ એરિયામાં પડ્યો હતો. કેટલોક કાટમાળ રાજસ્થાનમાં ભરતપુર એરિયામાં પણ પડ્યો હતો. આ બન્ને ફાઇટર જેટ્સે ગ્વાલિયર ઍરબેઝથી ઉડાન ભરી હતી.
સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને આ દુર્ઘટના વિશે ચીફ ઑફ ઍર સ્ટાફ ઍર ચીફ માર્શલ વીઆર ચૌધરી દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવી છે.
ફ્રાન્સની કંપની દસૉલ્ટ દ્વારા પ્રોડ્યુસ કરાતા મિરાજ-2000 ફાઇટર જેટ ઇન્ડિયન ઍર ફોર્સનાં ટૉપનાં ફાઇટર જેટ્સમાં સામેલ છે. મિરાજ-2000 લેસર ગાઇડેડ બૉમ્બ, ઍર ટુ ઍર અને હવાથી જમીન પર પ્રહાર કરવાની મિસાઇલોથી સજ્જ છે. મિરાજમાં થૉમસન સીએસએફ આરડીઆઇ રડાર સિસ્ટમ છે. કારગિલ યુદ્ધ અને સર્જિકલ સ્ટ્રાઇક દરમ્યાન મિરાજ-2000 ફાઇટર જેટ્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મિરાજ-2000 ફાઇટર પ્લેનની કિંમત લગભગ ૧૬૭ કરોડ રૂપિયા છે.
સુખોઈ-30 ચોથી જનરેશનના ફાઇટર જેટ છે, જેના આધુનિક વર્ઝન ૩૦એમકેઆઇને રશિયન કંપની સુખોઈ અને ઇન્ડિયન કંપની એચએએલએ મળીને વિકસિત કર્યું છે. બે સીટવાળું આ મલ્ટિરોલ ફાઇટર જેટ દુનિયાનાં સક્ષમ ફાઇટર જેટ્સમાં સામેલ છે. સુખોઈ-30 ભારતમાં વિકસાવાયેલી બ્રહ્મોસ મિસાઇલ સહિત અનેક મિસાઇલોને લઈને ઉડાન ભરી શકે છે. સુખોઈ-30એમકેઆઇની કિંમત લગભગ ૫૦૫ કરોડ રૂપિયા છે.
સુખોઈ-30
ટૉપ સ્પીડ - ૨૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક
કુલ વજન - ૩૮,૮૦૦ કિલો
હથિયાર - બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, ૩૦એમએમ જીએસએચ-30-1 કેનન, કેબ-1500 લેસર ગાઇડેડ બૉમ્બ, નિર્ભય મિસાઇલ.
મિરાજ-2000
ટૉપ સ્પીડ - ૨૩૩૬ કિલોમીટર પ્રતિ કલાક
કુલ વજન - ૭૫૦૦ કિલો
હથિયાર - 30 એમએમ ગન, બે મૅજિક મિસાઇલ, એમબીડીએ સુપર 530ડી મિસાઇલ, લેસર ગાઇડેડ બૉમ્બ