ડિસેમ્બરમાં ત્રીજી વાર આવું થતાં બુકિંગ કરનારા પરેશાન
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે સવારે ૯.૪૮ વાગ્યે ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)ની બુકિંગ ઍપ અને વેબસાઇટ એકાએક ઠપ થઈ જતાં ૧૦થી ૧૧ વાગ્યા વચ્ચે તત્કાલ ટિકિટનું બુકિંગ કરાવવા ઇચ્છતા લાખો લોકો પરેશાન થયા હતા. આ મહિનામાં આવું ત્રીજી વાર થયું હતું, આ પહેલાં ૯ અને ૨૬ ડિસેમ્બરે પણ તત્કાલની ટિકિટોનું બુકિંગ ખૂલે એની ગણતરીની ૧૦થી ૧૨ મિનિટો પહેલાં જ સાઇટ ઠપ થઈ ગઈ હતી.
યુઝર્સ માટે આ સાઇટ ડાઉન થતાં તેના પર એક જ મેસેજ આવતો હતો કે તમામ માટે બુકિંગ અને કૅન્સલેશન સાઇટ આગામી એક કલાક માટે ઉપલબ્ધ નહીં હોય. અસુવિધા માટે ખેદ છે. કૅન્સલેશન કે TDR ફાઇલ કરવા માટે કસ્ટમર કૅર-નંબર 14646, 08044647999 અને 08035734999 પર કૉલ કરો અથવા eticketshirete.co.in પર મેઇલ કરો.
ADVERTISEMENT
આ એક કલાકના સમયગાળા દરમ્યાન આખા દેશમાં લોકો તત્કાલ ટિકિટોનું બુકિંગ કરતા હોય છે. સવારે ૧૧.૧૭ વાગ્યે ફરી વેબસાઇટ કાર્યરત થઈ હતી. વેબસાઇટ ઠપ થતાં લોકોને ટિકિટો બુક કરવામાં તકલીફ પડે છે અને ટિકિટો નહીં મળતાં ઘણી વાર લોકોને આખા કાર્યક્રમ બદલવા પડે છે. જોકે વેબસાઇટ ઠપ હોય ત્યારે રેલવે-સ્ટેશનો પર પબ્લિક રિઝર્વેશન સિસ્ટમનાં કાઉન્ટરો પરથી બુકિંગ કરી શકાય છે.