રાહુલ ગાંધીનો મૉર્ફ કરેલો ફોટો શૅર કરવાનું ભારે પડ્યું
ગઈ કાલે સંસદભવનની બહાર મીડિયાને ટાળતી કંગના રનૌત.
બોલ્ડ ફિલ્મસીન અને બોલ્ડ નિવેદનો માટે જાણીતી અભિનેત્રી અને હવે સંસદસભ્ય બનેલી કંગના રનૌત પર ૪૦ કરોડ રૂપિયાની માનહાનિનો દાવો મંડાયો છે. અભિનેત્રીએ કૉન્ગ્રેસના નેતા અને સંસદસભ્ય રાહુલ ગાંધીનો એક મૉર્ફ કરેલો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો છે. ફોટોમાં રાહુલ ગાંધી મુસ્લિમો પહેરે એવી ટોપી અને ગળામાં ક્રૉસ તથા કપાળ પર હળદર અને સિંદૂરનું તિલક કરેલા દેખાય છે. એટલું જ નહીં, ફોટોમાં ‘જાતિજીવી જિસે બિના જાતિ પૂછે જાતિગણના કરાની હૈ’ એવી ટિપ્પણી પણ લખી છે.
કંગના વિરુદ્ધ માનહાનિનો દાવો તો કરાયો જ છે અને સાથે-સાથે નેટિઝન્સના પ્રહારો પણ શરૂ થઈ ગયા છે. આટલું ઓછું હોય એમ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ નરેન્દ્ર મિશ્રાએ અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. કોઈની તસવીર એડિટ કરવી અને સંમતિ વિના ઇન્ટરનેટ પર શૅર કરવી એ આઇટી ઍક્ટ હેઠળ ગુનો બને છે એટલે રાહુલ ગાંધીની છબિ ખરડવાની ભરપાઈ કરવા પેટે મિશ્રાએ કંગના રનૌત સામે ૪૦ કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો છે. આ મુદ્દે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે. પી. નડ્ડા સમક્ષ કંગનાને પક્ષમાંથી હાંકી કાઢવા પણ વિનંતી કરવામાં આવી છે.