વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપીની શાનદાર જીત બદલ લોકસભામાં પીએમનું બીજેપીના સંસદસભ્યો દ્વારા શાનદાર સ્વાગત થયું
નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદના શિયાળુ સેશનના પહેલા દિવસે લોકસભામાં રાષ્ટ્રગાન માટે સ્ટૅન્ડિંગ પોઝિશનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમ જ અન્ય કેન્દ્રીય પ્રધાનો અને સંસદસભ્યો. (તસવીર : પી.ટી.આઇ)
નવી દિલ્હી : સંસદના વિન્ટર સેશનની ગઈ કાલથી શરૂઆત થઈ હતી. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપીની શાનદાર જીતના એક દિવસ બાદ યોજાયેલા વિન્ટર સેશનના પહેલા દિવસે લોકસભામાં પીએમનું બીજેપીના સંસદસભ્યો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની હાજરીમાં ‘તીસરી બાર મોદી સરકાર’ના નારા ગૂંજી ઊઠ્યા હતા.
લીગલ પ્રોફેશનના રેગ્યુલેશન માટે બિલ
એક જ કાયદા દ્વારા લીગલ પ્રોફેશનના રેગ્યુલેશન માટેની જોગવાઈવાળા એક બિલને ગઈ કાલે લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે દેશની અદાલતોમાં ‘દલાલો’ માટે કોઈ સ્થાન નથી. આ સંબંધમાં ‘દલાલો’ એટલે કે લીગલ પ્રોફેશનને સંબંધિત અનૈતિક ઍક્ટિવિટીઝ અને અનઑથોરાઇઝ્ડ ઍક્ટિવિટીઝ કરી રહેલા લોકો. આ લોકો પેમેન્ટના બદલામાં લીગલ પ્રૅક્ટિશનર્સ માટે ક્લાયન્ટ્સ લાવે છે. આ બિલને ઑલરેડી ચોમાસાના સેશનમાં રાજ્યસભા દ્વારા ક્લિયર કરવામાં આવ્યું હતું. સંસદના આ વિન્ટર સેશનમાં નીચલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલું આ પહેલું બિલ છે.
ADVERTISEMENT
પોસ્ટ ઑફિસ બિલ પસાર
રાજ્યસભાએ ગઈ કાલે પોસ્ટ ઑફિસ બિલ, ૨૦૨૩ને પસાર કર્યું હતું. આ દરમ્યાન કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોસ્ટ સર્વિસિસના ખાનગીકરણને સંબંધિત વિપક્ષોની આશંકાઓને ફગાવી દીધી હતી. આ પ્રસ્તાવિત કાયદા અનુસાર કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા કોઈ પણ ઑફિસરને રાજ્યની સિક્યૉરિટી, વિદેશો સાથેના ફ્રેન્ડ્લી સંબંધો, જાહેર વ્યવસ્થા તેમ જ જનસુરક્ષાના હિતમાં, ઇમર્જન્સીમાં કે કોઈ પણ કાયદાની કોઈ પણ જોગવાઈનો કોઈ ભંગ થવાથી કોઈ પણ વસ્તુને આંતરીને, ખોલીને એને જપ્ત કરવાનો અધિકાર આપશે. આ બિલને સંસદના મૉન્સૂન સેશન દરમ્યાન રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.