ભારતના વિદેશપ્રધાને પાકિસ્તાનના વિદેશપ્રધાનને આતંકવાદની ઇન્ડસ્ટ્રીના પ્રમોટર અને પ્રવક્તા ગણાવ્યા
ગોવામાં ગઈ કાલે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય-દેશોના વિદેશપ્રધાનોની મીટિંગ માટે પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુત્તોને સુસ્ત આવકાર આપતા વિદેશપ્રધાન એસ. જયશંકર (તસવીર : એ.એન.આઇ.)
વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુત્તો ઝરદારી પર હાર્ડ-હીટિંગ અટૅક કર્યો હતો. જયશંકરે ગઈ કાલે ગોવામાં ભુત્તો ઝરદારીનું સ્વાગત કરતી વખતે તેમની સાથે હાથ નહોતા મિલાવ્યા. સુસ્ત આવકાર આપતાં તેમણે ભારતીય પરંપરા અનુસાર ઝરદારીને ‘નમસ્તે’ કર્યું હતું.
જેની થોડી મિનિટ પછી જયશંકરે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય-દેશોના વિદેશપ્રધાનોની પરિષદની મીટિંગમાં આતંકવાદને આકરા શબ્દોમાં વખોડ્યો હતો. સરહદ પાર આતંકવાદનો ઉલ્લેખ કરીને તેમનો સીધો ઇશારો પાકિસ્તાન તરફ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘આતંકવાદનો સામનો કરવો એ શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનનો એક મૂળ ઉદ્દેશ છે. કોઈ જાતનો ભેદભાવ કર્યા વિના આતંકવાદી સંગઠનોને ભંડોળ મળવાના તમામ માર્ગો બંધ કરી દેવા જોઈએ.’
ADVERTISEMENT
નોંધપાત્ર છે કે ભુત્તોએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી ભારત પાંચમી ઑગસ્ટ, ૨૦૧૯ના રોજ લેવાયેલા પગલા (કલમ ૩૭૦ નાબૂદ કરવા)ની સમીક્ષા ન કરે ત્યાં સુધી પાકિસ્તાન ભારતની સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાની સ્થિતિમાં નથી.’
જેના વિશે જયશંકરને પ્રેસ કૉન્ફરન્સમાં સવાલ કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનના સભ્ય દેશના વિદેશપ્રધાન તરીકે ભુત્તો ઝરદારીની સાથે એવો વર્તાવ કરવામાં આવ્યો હતો. આતંકવાદની ઇન્ડસ્ટ્રીના પ્રમોટર, એને વાજબી ગણાવનાર અને પ્રવક્તા તરીકે તેમની આતંકવાદના મામલે અમે આકરી ટીકા કરી હતી.’
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતની શક્યતા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘આતંકવાદના પીડિતો આતંકવાદ વિશે ચર્ચા કરવા માટે એના કાવતરાખોરો અને અપરાધીઓની સાથે ન બેસે. આતંકવાદના પીડિતો તેમનો બચાવ કરે, વળતો સામનો કરે. એટલે અહીં આવીને એમ કહેવું કે આપણે એક જ નાવમાં સવાર છે તો એ ખોટું છે. તેઓ આતંકવાદી ગતિવિધિ કરે છે.’
ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોરની વાત છે તો આ ઑર્ગેનાઇઝેશનની મીટિંગમાં બે વખત સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ‘કનેક્ટિવિટી પ્રગતિ માટે સારું છે, પરંતુ એનાથી સભ્ય દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનો ભંગ ન થવો જોઈએ. મેં એ ખાતરી રાખી હતી કે મીટિંગમાં હાજર રહેલા લોકોને પણ એ મામલે કોઈ શંકા ન રહે.’
પાકિસ્તાનના વિદેશપ્રધાન ઝરદારી, ચીનના ચિન ગાંગ અને રશિયાના સર્ગેઈ લાવરોવની હાજરીમાં જયશંકરે આ ઑર્ગેનાઇઝેશનની મીટિંગમાં કહ્યું હતું કે આતંકવાદના મુદ્દાની અવગણના કરવાથી આ સંગઠનના સભ્ય-દેશોની સુરક્ષાનાં હિતો જોખમાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘દુનિયા જ્યારે કોરોનાની મહામારી અને એની અસરોનો સામનો કરવામાં વ્યસ્ત હતી ત્યારે પણ આતંકવાદ નિરંકુશ હતો. અમે દૃઢપણે માનીએ છીએ કે આતંકવાદને કોઈ રીતે વાજબી ગણાવી ન શકાય અને એને સરહદ પાર આતંકવાદ સહિત તમામ સ્વરૂપમાં ડામી દેવો જોઈએ.’
ઝરદારીએ અહીં સામૂહિક રીતે આતંકવાદના દૂષણને નાબૂદ કરવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ સાથે એમ પણ જણાવ્યું કે આપણે ડિપ્લોમૅટિક લાભ માટે આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ કરવાના ચક્કરમાં ન પડવું જોઈએ. જેનો જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો.
ચીન વિશે જયશંકરે કહ્યું કે બૉર્ડર ડિસ્ટર્બ હશે તો સંબંધો સામાન્ય નહીં
ચીનના વિદેશપ્રધાન ચિન ગાંગ સાથેની વાતચીતના એક દિવસ બાદ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં જયશંકરે કહ્યું હતું કે જો સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા ડિસ્ટર્બ થાય તો ભારત અને ચીન વચ્ચેના સંબંધો સામાન્ય ન થઈ શકે. હું માનું છું કે મુદ્દો એ છે કે બૉર્ડર વિસ્તારોમાં અસામાન્ય સ્થિતિ છે. અમારી વચ્ચે એના વિશે નિખાલસ વાતચીત થઈ હતી. આપણે સરહદી વિસ્તારોમાં તહેનાત કરવામાં આવેલા લશ્કરના જવાનોની સંખ્યા ઘટાડવી પડશે.

