આ બાબાની ગજબની ફિટનેસ જોઈને લોકો આશ્ચર્યમાં મુકાય છે : બાબા યુવાનોને અપીલ કરે છે કે ઘરનું દેશી ભોજન ખાઓ અને કસરત કરો
મહાકુંભ ડાયરી
પહેલવાન બાબા
મહાકુંભમાં હવે શારીરિક તંદુરસ્તીથી ફિટ એવા રાજપાલ સિંહ ઉર્ફે પહેલવાન બાબા છવાઈ ગયા છે. તેમનું મિશન યુવા જનરેશનને નશાથી દૂર રાખવાનું છે અને તેઓ યંગ જનરેશનને અપીલ કરે છે કે ઘરનું બનેલું પૌષ્ટિક દેશી ભોજન ખાઓ અને રોજ કસરત કરો. તેઓ જ્યાં પણ જાય છે, યુવાનોને જાગૃત કરવાનો મેસેજ આપે છે. યુવાનોને નશાથી મુક્ત કરવાના મિશનને આગળ ધપાવવા તેઓ મહાકુંભમાં આવ્યા છે.
પહેલવાન બાબાની ફિટનેસ એટલી જબરદસ્ત છે કે તેમને જોઈને કોઈ પણ ચકરાવે ચડી જાય. તેઓ ફુટબૉલ પર હાથના ટેકાથી ઊભા રહી શકે છે. તેમના પુશ-અપથી લઈને હૅન્ડ-સ્ટૅન્ડ, ચક્રીદંડ સહિતના ઘણા વર્કઆઉટ-વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. આ જોઈને લોકો પણ હેરાન છે કે ભગવાનની સાધનામાં લીન રહેનારો એક સાધુ આટલો ફિટ પણ હોઈ શકે છે. તેઓ નશામુક્તિનો સંદેશ આપે છે અને યુવાનોને જાગૃત કરીને ભારતને વિશ્વગુરુ બનાવવા ચાહે છે.
ADVERTISEMENT
લોકોને આશ્ચર્યમાં મૂકી રહેલા પહેલવાન બાબા કહે છે, ‘પચાસ વર્ષની ઉંમરે હું એક હાથથી ૧૦,૦૦૦ પુશ-અપ્સ કરી શકું છે, હૅન્ડ-સ્ટૅન્ડ કરી શકું છે. જો હું આ ઉંમરે આવું કરી શકતો હોઉં તો યુવાનો તો મારાથી ચાર ગણી મહેનત કરી શકે છે, પણ આજનો યુવાન દિશા ભૂલ્યો છે. ખોટી સંગતમાં રહીને અને ખોટી ચીજવસ્તુઓ ખાઈને તેઓ કમજોર થઈ ગયા છે અને નશાની આદત પડી ગઈ છે. મેં મારા અડોશપડોશનાં અને સગાંસંબંધીનાં માર્ગ ભૂલેલાં કેટલાંક બાળકોને સમજાવવાની કોશિશ કરી અને માર પણ માર્યો, જોકે તેમના પર કોઈ અસર થઈ નહીં. આથી મેં વિચાર્યું કે આ મુદ્દે મિશન ચલાવીને તેમને યોગ્ય રસ્તે લાવવા જોઈએ. દરેક યુવાને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને ઘરમાં બનેલો દેશી અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ.’
પહેલવાન બાબાને રોજ ૧૫થી ૨૦ ફોન આવે છે અને માતા-પિતા તેમના છોકરાઓની ખરાબ આદતો વિશે જણાવે છે. કેટલાક યુવાનોએ તેમની વાત માનીને નશો છોડી દીધો છે. તેમનું કહેવું છે કે મારા બતાવેલા રસ્તા પર કોઈ આગળ વધશે તો એની મને વધારે ખુશી થશે.
સુરેશ રૈનાએ લગાવી ડૂબકી
ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના શનિવારે મહાકુંભમાં પહોંચ્યો હતો અને તેણે સંગમમાં સ્નાન કર્યું હતું.