રોકાણકારોની સંખ્યા વધી હોવાથી SEBIએ કરાવેલા સ્ટડીમાં બહાર આવી ધક્કાદાયક માહિતી : છેલ્લાં ત્રણ વર્ષમાં રોકાણકારોએ આ સેગમેન્ટમાં ૧.૮૦ લાખ કરોડનું નુકસાન કર્યું
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા સમયથી શૅરબજારમાં ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સ (F&O)માં લોકો પૈસા ગુમાવી રહ્યા હોવાની બૂમાબૂમ થઈ રહી છે ત્યારે આ વાત પર મંજૂરીની મહોર મારતો રિપોર્ટ બહાર આવ્યો છે. સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ તૈયાર કરેલા આ ઍનૅલિસિસ મુજબ એક કરોડ ઇન્વેસ્ટરમાંથી ૯૩ ટકા એટલે કે દસમાંથી નવ રોકાણકારોએ F&Oમાં પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઍનૅલિસિસ મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં રોકાણકારોએ F&Oમાં ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે એટલું જ નહીં, આ જ સમયગાળા દરમ્યાન ઍવરેજ એક રોકાણકારે બે લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું સ્ટડીમાં બહાર આવ્યું છે.
નુકસાન કરનારા ટોચના સાડાત્રણ ટકા રોકાણકારોમાં ચાર લાખ ટ્રેડરનો સમાવેશ થાય છે અને તેમણે દરેકે ૨૮ લાખ રૂપિયાની લૉસ F&Oમાં કરી છે. આની સામે માત્ર એક ટકા ઇન્વેસ્ટરે એક લાખ કે એનાથી વધારે રૂપિયાનો F&Oમાં નફો કર્યો છે. SEBIએ કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષમાં વ્યક્તિગત રોકાણકારોનું ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગનું પ્રમાણ વધ્યું હોવાથી F&O સેગમેન્ટમાં આ ટ્રેડરો નુકસાન કરે છે કે નફો એની પૅટર્ન જાણવા માટે આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો.