તમારી દીકરી તમારી સાથે છે
વિનેશ ફોગાટ ગઈ કાલે શંભુ બૉર્ડર પર ખેડૂતોને મળવા પહોંચી હતી
હરિયાણા-પંજાબની શંભુ બૉર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને ગઈ કાલે ૨૦૦ દિવસ પૂરા થયા હતા અને આ પ્રસંગે મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ ગઈ કાલે શંભુ બૉર્ડર પર ખેડૂતોને મળવા પહોંચી હતી અને તેમનું સમર્થન કરીને જણાવ્યું હતું કે તમારી દીકરી તમારી સાથે છે, કોઈ પણ મુદ્દે અવાજ ઉઠાવવો એ હંમેશાં રાજકીય બાબત હોતી નથી.
છેલ્લા ૨૦૦ દિવસથી આ ખેડૂતો મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP)ની ગૅરન્ટી મળી રહે એ માટે આંદોલન કરી રહ્યા છે. આ પ્રસંગે બોલતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે ‘ખેડૂતો તેમના અધિકારો માટે લાંબા સમયથી અહીં આંદોલન કરી રહ્યા છે છતાં તેમની ઊર્જા હજી ઓછી થઈ નથી. હું ખુદને ભાગ્યશાળી માનું છું કે હું એક ખેડૂત પરિવારમાં જન્મી છું. તમારી દીકરી તમારી સાથે છે. આપણે આપણા અધિકારો માટે ઊભા થવું પડશે, કારણ કે બીજું કોઈ આપણા અધિકારો માટે આગળ નહીં આવે. આવું જોવું દુખદ છે. ખેડૂતો દેશ ચલાવે છે. તેમના વિના કંઈ જ શક્ય નથી. તેમની માગણી ગેરકાનૂની નથી.’