પ્રોજેક્ટ ચિત્તાની ટીમે વાહનોનો ઉપયોગ કરીને કૉરિડોર બનાવીને નામિબિયાથી આવેલા ચિત્તાને પાછો કુનોમાં ધકેલવા માટે કોશિશ કરી
મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કના પ્રોટેક્ટેડ એરિયામાંથી એક ખેતરમાં પહોંચી ગયેલો ચિત્તો ઓબાન.
મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કના ખુલ્લા જંગલમાં ગયા મહિને છોડવામાં આવેલા નામિબિયાના ચાર ચિત્તામાંથી એક ચિત્તો ગઈ કાલે સવારે પ્રોટેક્ટેડ એરિયામાંથી બહાર નીકળી ગયો હતો. આ ચિત્તાનું નામ ઓબાન જણાવાયું છે. આ ચિત્તો એક ગામની પાસેના ખેતરમાં પહોંચી ગયો હતો.
કુનોની બહાર એક ખેતરમાં ઓબાનને રજૂ કરતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયોમાં સ્થાનિક લોકો ‘ગો ઓબાન ગો’ અને ‘પ્લીઝ ઓબાન ગો’ બોલતા સંભળાય છે. આ જાણકારી મળતાં જ પ્રોજેક્ટ ચિત્તાની ટીમે વાહનોનો ઉપયોગ કરીને કૉરિડોર બનાવીને ચિત્તાને પાછો કુનોમાં ધકેલવા માટે કોશિશ કરી હતી.
ADVERTISEMENT
શ્યોપુર ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર પીકે વર્માએ જણાવ્યું હતું કે ‘ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નામિબિયાથી લાવવામાં આવેલા આઠ ચિત્તામાંથી એક ઓબાન કુનો નૅશનલ પાર્કથી ૧૫થી ૨૦ કિલોમીટરના અંતરે આવેલા બરોડા ગામની પાસે એક ખેતરમાં જતો રહ્યો હતો. એના કૉલરના ડિવાઇસથી સિગ્નલ્સ અનુસાર ચિત્તાએ શનિવારે રાતે ગામ તરફ જવાનું શરૂ કર્યું હતું.’
કુનોના ફીલ્ડ ડિરેક્ટર ઉત્તમ શર્માએ જણાવ્યું હતું કે ‘અમે સતત ઓબાનની મૂવમેન્ટને મૉનિટર કરી રહ્યા છીએ. કપલ ચિત્તા ઓબાન અને આશાને અગિયારમી માર્ચે કુનોના જંગલ એરિયામાં છોડવામાં આવ્યા હતા.’