ચેન્નઈની કંપનીના સંભવિત દૂષિત આઇ-ડ્રૉપ્સને કારણે અનેક લોકોએ દૃષ્ટિ ગુમાવી અને લોહીના પ્રવાહમાં ઇન્ફેક્શનને કારણે એક જણનું મોત થયું
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
નવી દિલ્હીઃ ભારતમાં મૅન્યુફૅક્ચર થયેલી વધુ એક દવાને લઈને વિવાદ થયો છે. મામલો અમેરિકાનો છે. એક ભારતીય કંપનીએ અમેરિકન માર્કેટમાંથી એની આઇ-ડ્રૉપ્સની દવા પાછી ખેંચી લીધી છે, જેનું કારણ એ છે કે અમેરિકાની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું હતું કે આ આઇ-ડ્રૉપ્સ બૅક્ટેરિયાથી દૂષિત છે જેને લીધે અનેક લોકોએ દૃષ્ટિ ગુમાવી છે અને લોહીના પ્રવાહમાં ઇન્ફેક્શનને કારણે એક જણનું મોત થયું હતું.
અમેરિકન સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન ચેન્નઈ સ્થિત ગ્લોબલ ફાર્મા હેલ્થકૅર દ્વારા મૅન્યુફૅક્ચર કરાયેલી ઇઝીકૅર આર્ટિફિશ્યલ ટિયર્સ આઇ-ડ્રૉપ્સની બૉટલ્સનું ટેસ્ટિંગ કરી રહી છે. બીજી તરફ અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) આ કંપનીની પ્રોડક્ટ્સની આયાતને નિયંત્રિત કરવા જઈ રહી છે.
આ એજન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે ‘એફડીએ કન્ઝ્યુમર્સ અને ડૉક્ટર્સને ઇઝીકૅર આર્ટિફિશ્યલ ટિયર્સ કે દેલસમ ફાર્માની આર્ટિફિશ્યલ ટિયર્સનો ઉપયોગ અને ખરીદી તાત્કાલિક બંધ કરવા માટે ચેતવી રહ્યું છે, કેમ કે આ પ્રોડક્ટ્સ બૅક્ટેરિયાથી દૂષિત છે. દૂષિત આર્ટિફિશ્યલ ટિયર્સનો ઉપયોગ કરવાથી આંખોમાં ઇન્ફેક્શનનું જોખમ વધે છે, જેનું પરિણામ અંધત્વ કે મૃત્યુ આવી શકે છે.’
ગ્લોબલ ફાર્મા હેલ્થકૅરે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ સંભવિત અશુદ્ધિને કારણે ઇઝીકૅર, એલએલસી અને દેલસમ ફાર્મા દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરાયેલા આર્ટિફિશ્યલ ટિયર્સ લુબ્રિકન્ટ આઇ-ડ્રૉપ્સના તમામ લૉટ્સને સ્વૈચ્છિક રીતે પાછા ખેંચી રહી છે. સુડોમોનાસ ઓરુજિનોસા બીમારીને કારણે સમગ્ર અમેરિકામાં ડૉક્ટર્સને અલર્ટ કરવામાં આવ્યા છે, જેને કારણે ૧૨ સ્ટેટ્સમાં પંચાવન જણને અસર થઈ છે અને એક જણનું મોત થયું છે.
સુડોમોનાસ ઓરુજિનોસાને કારણે લોહી અને ફેફસાંમાં ઇન્ફેક્શન્સ થઈ શકે છે જેની સારવાર કરવી મુશ્કેલ છે.
નોંધપાત્ર છે કે આ પહેલાં ભારતમાં મૅન્યુફૅક્ચર્ડ કફ-સિરપ્સને કારણે ગૅમ્બિયા સહિત કેટલાક દેશમાં બાળકોનાં મૃત્યુના કેસ આવ્યા હતા.