રૂપિયાના પ્રતીકને ભૂંસી નાખવાથી DMK માત્ર એક રાષ્ટ્રીય પ્રતીકને નકારી નથી રહ્યું, એક તામિલ યુવકના રચનાત્મક યોગદાનની અવગણના કરી રહ્યું છે.
નિર્મલા સીતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે ‘તામિલનાડુ સરકારે રૂપિયાના ચિહનને હટાવવાનું જે પગલું લીધું છે એ ખતરનાક માનસિકતાનો સંદેશ છે જે દેશની એકતાને કમજોર કરે છે. રૂપિયાના પ્રતીકને ભૂંસી નાખવાથી DMK માત્ર એક રાષ્ટ્રીય પ્રતીકને નકારી નથી રહ્યું, એક તામિલ યુવકના રચનાત્મક યોગદાનની અવગણના કરી રહ્યું છે.
તામિલનાડુ સરકારે ભાષાના મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વધતા વિવાદને પગલે ૨૦૨૫-’૨૬ના રાજ્યના બજેટના લોગોમાં રૂપિયાના દેવનાગરી લિપિવાળા પ્રતીક-ચિહ્નના સ્થાને એક તામિલ અક્ષરનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
આ મુદ્દે નિર્મલા સીતારમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ એક ખતરનાક માનસિકતાનું સૂચક છે જે દેશની એકતાને નબળી પાડે છે અને ક્ષેત્રીય ગૌરવના બહાને અલગાવવાદી ભાવનાઓને પ્રોત્સાહન આપે છે.
આ રૂપિયાનું પ્રતીક DMKના ભૂતપૂર્વ વિધાનસભ્ય એન. ધર્મલિંગમના પુત્ર ડી. ઉદયકુમારે ડિઝાઇન કર્યું છે અને આમ તામિલનાડુ સરકાર એક તામિલ યુવાનના રચનાત્મક યોગદાનની પણ અવહેલના કરી રહી છે.’
તામિલનાડુમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના શરાબ કૌભાંડનો BJPનો આરોપ, DMKએ આરોપોને ફગાવી દીધા
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે તામિલનાડુમાં સત્તાધારી પાર્ટી DMK (દ્રવિડ મુન્નેત્ર કઝઘમ) પર આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાના શરાબ કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આ કૌભાંડ તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કૉર્પોરેશન લિમિટેડ (TASMAC)ના માધ્યમથી કરવામાં આવ્યું હતું. BJPએ દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહીમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
જોકે આ મુદ્દે સત્તાધારી DMKએ તમામ આરોપો ફગાવી દીધા હતા.
આ મુદ્દે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટમાં BJPના નેતા અમિત માલવીયે જણાવ્યું હતું કે ‘તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન ત્રણ ભાષા ફૉર્મ્યુલા, નૅશનલ એજ્યુકેશન પૉલિસી અને બજેટમાં રૂપિયાના પ્રતીક-ચિહ્નને હટાવવાના બાબતે નિરાધાર અફવાઓ ફેલાવે છે જેથી શરાબ કૌભાંડના મુદ્દે જનતાનું ધ્યાન બીજે દોરી શકાય. EDએ ૧૦૦૦ કરોડ રૂપિયાની લાંચ લેવાના ખુલાસા કરતા દસ્તાવેજ જપ્ત કર્યા છે. આ રૂપિયા કિકબૅકરૂપે લેવામાં આવ્યા હતા.’

