ભારતમાં મુસ્લિમોની સ્થિતિ વિશે સવાલ ઉઠાવવા બદલ નાણાપ્રધાને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટની સાથે કૉન્ગ્રેસ સહિતના વિપક્ષોની આકરી ઝાટકણી કાઢી
નિર્મલા સીતારમણ ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અમેરિકાની વિઝિટ દરમ્યાન શાનદાર આવકાર મળ્યો, પરંતુ ભારતમાં મુસ્લિમો સાથેના વ્યવહારને લઈને સવાલ પણ ઊઠ્યો હતો, જેનો ખૂદ વડા પ્રધાને જવાબ આપ્યો હતો. હવે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે આ મુદ્દે પીએમનો બચાવ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની વિશ્વસનીયતા સામે પણ ક્વેશ્ચન માર્ક મૂક્યો હતો.
સીતારમણે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘અમેરિકામાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં વડા પ્રધાને જાતે જણાવ્યું છે કે તેમની સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સિદ્ધાંત પર ચાલે છે અને કોઈ પણ સમુદાય પ્રત્યે ભેદભાવ કરતી નથી. જોકે કેટલાક લોકો આ ડિબેટમાં જોડાય છે અને ખરેખર ગ્રાઉન્ડ પર છે જ નહીં એવા મુદ્દાઓને હાઇલાઇટ કરે છે.’
તેમણે વધુ કહ્યું હતું કે ‘દેશના વડા પ્રધાન તરીકે મોદીને કુલ ૧૩ અવૉર્ડ્સ આપવામાં આવ્યા છે, જેમાંથી છ અવૉર્ડ્સ એવા દેશો દ્વારા આપવામાં આવ્યા છે કે જ્યાં મુસ્લિમોની બહુમતી છે. કોઈ પણ પ્રકારના બેઝિક ડેટા હાથમાં ન હોવા છતાં માત્ર આરોપ મૂકવામાં આવે છે કે જેનાથી ખ્યાલ આવે છે કે આ સંગઠિત કૅમ્પેન્સ છે.’
વિપક્ષોની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘હું માનું છું કે કર્ણાટકની ચૂંટણીનાં પરિણામોને અપવાદ ગણતાં તેઓ ચૂંટણીના મેદાનમાં બીજેપી કે પીએમ મોદીનો સામનો કરી શકતા ન હોવાના કારણે તેઓ આવાં કૅમ્પેન્સ ચલાવી રહ્યા છે.’
એક ઇન્ટરવ્યુ બદલ ઓબામાની આકરી ઝાટકણી કાઢતાં સીતારમણે કહ્યું હતું કે ‘મને આઘાત લાગ્યો હતો. આ બીજા દેશની વાત હોવાથી હું સંયમ રાખીને આ વાત કરું છું. એક ભૂતપૂર્વ પ્રેસિડન્ટના રાજમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા છ દેશો પર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો અને ૨૬,૦૦૦થી વધારે બૉમ્બ વરસાવવામાં આવ્યા હતા, કેવી રીતે તેમના આરોપો પર લોકો વિશ્વાસ મૂકશે?’