PMO સુધી પહોંચતાં લાગ્યાં ૧૧ વર્ષ, અજિત ડોભાલ સાથે પણ કર્યું છે કામ
નિધિ તિવારી
પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)માં વારાણસીની રહેવાસી તથા ૨૦૧૪ના બૅચની ઇન્ડિયન ફૉરેન સર્વિસ (IFS) ઑફિસર નિધિ તિવારીને નરેન્દ્ર મોદીની પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ નિમણૂકને કૅબિનેટની અપૉઇન્ટમેન્ટ્સ કમિટીએ મંજૂરી આપી દીધી છે અને એ તાત્કાલિક પ્રભાવથી લાગુ થઈ છે. નિધિ તિવારીની નિમણૂક પહેલાં નરેન્દ્ર મોદીના બે પ્રાઇવેટ સેક્રેટરી હતા જેમનાં નામ હાર્દિક સતીશચંદ્ર શાહ અને વિવેક કુમાર હતાં.
UPSCમાં ૯૬મો રૅન્ક
ADVERTISEMENT
નિધિ તિવારીએ ૨૦૧૩માં સિવિલ સર્વિસિસ પરીક્ષા પાસ કરી હતી. પહેલાં તે વારાણસીમાં અસિસ્ટન્ટ કમિશનર (કમર્શિયલ ટૅક્સ) પદ પર કાર્યરત હતી અને તેણે નોકરીની સાથે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. એમાં નિધિએ ૯૬મો રૅન્ક મેળવ્યો હતો, જેના પછી તેણે IFS જૉઇન કર્યું અને ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી.
અજિત ડોભાલ સાથે કામ કર્યું
૨૦૨૨માં નવેમ્બર મહિનામાં તેને PMOમાં ડેપ્યુટી સેક્રેટરી નિયુક્ત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમ્યાન તેણે ‘વિદેશ અને સુરક્ષા’ વર્ટિકલમાં કામ કર્યું હતું, જેમાં સીધું રિપોર્ટિંગ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલને કરવામાં આવે છે. અહીં નિધિએ વિદેશનીતિ, પરમાણુ ઊર્જા અને સુરક્ષા જેવા મહત્ત્વના વિષયો પર કામ કર્યું હતું.
હવે શું કામ હશે?
પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિધિ હવે નરેન્દ્ર મોદીના કાર્યક્રમોનો સમન્વય અને બેઠકોનું આયોજન કરશે તથા સરકારી વિભાગોની સાથે સંપર્કમાં કામ કરશે. PMOમાં મહિલા અધિકારીઓની ભાગીદારી લગાતાર વધી રહી છે અને નિધિ તિવારીની આ નિમણૂક મહિલા સશક્તીકરણની દિશામાં વધુ એક કદમ માનવામાં આવે છે.
વારાણસી સાથે ખાસ કનેક્શન
નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં વારાણસી સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટાય છે અને નિધિ તિવારી પણ વારાણસીના મહમૂરગંજની રહેવાસી છે. તેની પહેલી પોસ્ટિંગ પણ વારાણસીમાં થઈ હતી.
કેટલો પગાર મળશે?
નિધિ તિવારીને હાલની વેતનશ્રેણી મુજબ મહિને ૧,૪૪,૨૦૦ રૂપિયાનો પગાર મળશે. આ સિવાય તેને મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ અલાવન્સ, ટ્રાવેલિંગ અલાવન્સ સહિતનાં અન્ય બીજાં ભથ્થાં પણ મળશે.

