કર્ણાટકના પ્રધાન પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે આ પહેલાંની બીજેપી સરકારમાં ઘડવામાં આવેલા કાયદા અને આદેશોની નવી કૉન્ગ્રેસ સરકાર દ્વારા સમીક્ષા કરીને એમાં સુધારો કરવામાં આવશે
News In Shorts
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કર્ણાટકમાં હિજાબ પરનો બૅન પાછો ખેંચી લેવામાં આવે એવી શક્યતા
કર્ણાટકના પ્રધાન પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે આ પહેલાંની બીજેપી સરકારમાં ઘડવામાં આવેલા કાયદા અને આદેશોની નવી કૉન્ગ્રેસ સરકાર દ્વારા સમીક્ષા કરીને એમાં સુધારો કરવામાં આવશે કે એને પાછા ખેંચી લેવામાં આવશે. આ રાજ્યમાં હિજાબ પરનો બૅન પાછો ખેંચી લેવાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે આ મુદ્દે ડાયરેક્ટ કમેન્ટ કર્યા વિના તેમણે કહ્યું હતું કે સરકાર બંધારણની તેમ જ સમાજના તમામ વર્ગોને સમાવવાની ભાવના વિરુદ્ધની આ પહેલાંની સરકારની તમામ નીતિઓની સમીક્ષા કરશે.
ADVERTISEMENT
વેદોમાં બીજગણિત, આર્કિટેક્ચર, બ્રહ્માંડની રચના અને એવિએશનનો ઉલ્લેખ : ઇસરોના ચૅરમૅન
ઇસરોના ચૅરમૅન એસ. સોમનાથે કહ્યું હતું કે બીજગણિત, વર્ગમૂળ, સમય, આર્કિટેક્ચર, બ્રહ્માંડની રચના, ધાતુશાસ્ત્ર અને એવિએશન આ તમામનો ઉલ્લેખ વેદોમાં જોવા મળે છે જે આરબ દેશોમાંથી યુરોપમાં ગયું હતું. ત્યાર બાદ પશ્ચિમના વૈજ્ઞાનિકોની શોધ તરીકે આજે બધા એને ઓળખ છે. જોકે આની પાછળ એક સમસ્યા પણ હતી. ભારતીય વૈજ્ઞાનિકો સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા, જેની કોઈ લિખિત લિપિ નહોતી. એને સાંભળીને યાદ કરવામાં આવતું હતું. આ રીતે ભાષા બચી ગઈ. સોમનાથે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે કમ્પ્યુટર લૅન્ગ્વેજ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ શીખનાર માટે આ ભાષા અનુકૂળ છે.
ઇમરાન ખાન અમેરિકામાં શરણાગતિ માગશે?
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના ચીફ ઇમરાન ખાન માટે એન્ડગેમની સિચુએશન હોય એમ જણાય છે. તેમના સાથી નેતાઓ તેમને છોડી રહ્યા છે અને સરકારનો સકંજો તેમના પર કસાઈ રહ્યો છે. હવે પાકિસ્તાનના પ્રધાન ફૈસલ કરિમ કુંડીએ ગઈ કાલે મીડિયાને જણાવ્યું હતું કે ‘મને મારા સોર્સિસથી મળેલા ન્યુઝ હું તમને આપું છું કે ઇમરાન ખાન ટૂંક સમયમાં અમેરિકામાં પૉલિટિકલ શરણાગતિ માટે અપ્લાય કરશે.’ બીજી તરફ પાકિસ્તાનની મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇમરાનનું નામ નો ફ્લાય લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે.
લંડનના ટાવરમાં કોહિનૂર ડાયમન્ડનું પ્રદર્શન
આજથી ટાવર ઑફ લંડનમાં કોહિનૂર પ્રદર્શનમાં મૂકવામાં આવશે જેની માગણી ઘણા સમયથી ભારત કરી રહ્યું છે. આ હીરો મુઘલ સમ્રાટ, ઈરાનના શાહ, અફઘાનિસ્તાન અમીર અને સિખ મહારાજ પાસેથી ઇંગ્લૅન્ડનાં મહારાણી પાસે આવ્યો હતો. આ હીરાને વિજયના પ્રતીક તરીકે રજૂ કરાશે. ૧૮૪૯ની લાહોરની સંધિને કારણે મહારાજા દુલીપ સિંહે પંજાબના નિયંત્રણની સાથે આ હીરો પણ રાણી વિક્ટોરિયાને સોંપવાની ફરજ પડી હતી. ૧૯૦૨માં રાણીના તાજમાં એને બેસાડાયો હતો. કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક સમારોહ દરમ્યાન થયેલા ઉપયોગ બાદ ઝવેરાતને પ્રદર્શનમાં મુકાયા છે.