જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે ‘આ અરજી યોગ્ય કારણ કે સાચી સમજ પર આધારિત બિલકુલ નથી
News In Short
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ભારતમાં બીબીસી પર સંપૂર્ણ બૅન મૂકવાની અરજી ફગાવી
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોને સંબંધિત એક વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીને કારણે ભારતમાં બીબીસી (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન) પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક અરજીને ગઈ કાલે ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા તેમ જ બીરેન્દ્ર કુમાર સિંહ નામના એક ખેડૂત દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પરની સુનાવણી દરમ્યાન જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુન્દ્રેશની બેન્ચે આ આદેશ આપ્યો હતો. જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે ‘આ અરજી યોગ્ય કારણ કે સાચી સમજ પર આધારિત બિલકુલ નથી. એમાં કોઈ જ દમ નથી. તમે આવી દલીલ પણ કેવી રીતે કરી શકો છો.’
આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે બીબીસી ભારત અને ભારત સરકાર પ્રત્યે પક્ષપાત રાખે છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડૉક્યુમેન્ટરી ભારત અને એના વડા પ્રધાનના વૈશ્વિક સ્તરે ઉદયને રોકવા માટે એક ઊંડા કાવતરાનું પરિણામ છે.
‘વૅલેન્ટાઇન્સ ડે’ને ‘કાઉ હગ ડે’ તરીકે સેલિબ્રેટ કરવાની અપીલ પાછી ખેંચાઈ
નવી દિલ્હી : વૅલેન્ટાઇન્સ ડેને કાઉ હગ ડે તરીકે સેલિબ્રેટ કરવા માટેની ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયાની અપીલને પાછી ખેંચી લેવામાં આવી છે. આ અપીલની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. ઍનિમલ વેલ્ફેર બોર્ડ પશુપાલન મંત્રાલય હસ્તક આવે છે. આ બોર્ડના સેક્રેટરી એસકે દત્તાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘મસ્ત્ય ઉદ્યોગ, ડેરી અને પશુપાલન મંત્રાલયના આદેશ અનુસાર ૧૪ ફેબ્રુઆરીએ કાઉ હગ ડે તરીકે સેલિબ્રેટ કરવા માટેની ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી અપીલને પાછી ખેંચી લેવામાં આવે છે.’ વિપક્ષોએ પણ આ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી એને રિયલ મુદ્દાથી ધ્યાન બીજે ડાઇવર્ટ કરવાની કોશિશ ગણાવી હતી.
ગૃહની કાર્યવાહીનો વિડિયો બનાવવા બદલ રજની પાટીલ સસ્પેન્ડ
નવી દિલ્હી : કૉન્ગ્રેસના સંસદસભ્ય રજની પાટીલને ગૃહની કાર્યવાહીનો વિડિયો બનાવવા બદલ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે બજેટ સેશનના બાકી દિવસો માટે રજની પાટીલને ગઈ કાલે સસ્પેન્ડ કર્યા હતા. આમ તો ધનખડે પહેલાં જ સંકેત આપ્યો હતો કે રાજ્યસભામાં વડા પ્રધાનની સ્પીચ દરમ્યાન થયેલા હંગામાનો વિડિયો બનાવનારાઓ સામે ઍક્શન લેવામાં આવશે.