ઍર ઇન્ડિયાની અમેરિકાના નેવાર્કથી દિલ્હીની ફ્લાઇટે ગઈ કાલે સ્ટૉકહોમમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું,
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ ઍર ઇન્ડિયાની અમેરિકાના નેવાર્કથી દિલ્હીની ફ્લાઇટે ગઈ કાલે સ્ટૉકહોમમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું, કેમ કે એના એક એન્જિનમાં ઑઇલ લીક થયું હતું. ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન) આ ઘટનાની તપાસ કરશે.
ડીજીસીએના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે બોઇંગ ૭૭૭-૩૦૦ ઈઆર પ્લેન દ્વારા ઑપરેટ કરાતી આ ફ્લાઇટના એક એન્જિનમાં ઑઇલ લીક થયું હતું, જેના કારણે આ એન્જિન બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં આ પ્લેનને સ્ટૉકહોમમાં સુરક્ષિત રીતે લૅન્ડ કરવામાં આવ્યું હતું.
આ ઍરલાઇનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્લેનમાં આઠ નાનાં બાળકો સહિત ૨૯૨ પૅસેન્જર્સ હતા. ક્રૂની સાથે આ પ્લેનમાં લગભગ ૩૦૦ લોકો હતા. ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન દરમ્યાન બીજા નંબરના એન્જિનના ટ્યુબ આકારના એક ભાગમાંથી ઑઇલ બહાર નીકળતું જોવા મળ્યું હતું.
આ પહેલાં સોમવારે ન્યુ યૉર્કથી દિલ્હીની ઍર ઇન્ડિયાની ફ્લાઇટને મેડિકલ ઇમર્જન્સીના કારણે લંડનમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી.