ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના નવા નિયમો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સહિત મેઇન સ્ટ્રીમના તમામ મીડિયા ક્ષેત્રોને લાગુ થશે. કેન્દ્ર સરકારે ડિજિટલ મીડિયા સંબંધી નવા નિયમોના અધિકાર ક્ષેત્રના વ્યાપમાંથી કોઈ પણ મીડિયાને બાકાત રાખવાનો ઇનકાર કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના નવા નિયમો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક સહિત મેઇન સ્ટ્રીમના તમામ મીડિયા ક્ષેત્રોને લાગુ થશે. કેન્દ્ર સરકારે ડિજિટલ મીડિયા સંબંધી નવા નિયમોના અધિકાર ક્ષેત્રના વ્યાપમાંથી કોઈ પણ મીડિયાને બાકાત રાખવાનો ઇનકાર કર્યો છે. સંસ્થાઓ અને સંગઠનોની વેબસાઇટ્સને એ નિયમો હેઠળ આવરી લેવાનાં ઉચિત કારણો હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.
નૅશનલ બ્રોડકાસ્ટર્સ અસોસિએશને માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને ટેલિવિઝન ન્યુઝ મીડિયા અને તેના એક્સ્ટેન્ડેડ ડિજિટલ ન્યુઝ પ્લૅટફૉર્મ્સને નવા ઇન્ફોટેક રૂલ્સ લાગુ નહીં કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અન્ય પ્રસાર માધ્યમોને પહેલેથી વિવિધ કાયદા અને નિયમો લાગુ કરાયા હોવાથી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (ઇન્ટરમીડિયરી ગાઇડ લાઇન્સ અૅન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, ૨૦૨૧ની જોગવાઈઓમાંથી તેમને બાકાત રાખવા જોઈએ. એ પત્રના અનુસંધાનમાં ગઈ કાલે ઇન્ફોટેક મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયે ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ, ઑનલાઇન ક્યુરેટેડ કન્ટેન્ટ અથવા ઓટીટી પ્લૅટફૉર્મ્સ અને અસોસિએશન્સ ઑફ ડિજિટલ પબ્લિશર્સ સમક્ષ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રને બાકાત રાખવાથી જેમના ટીવી કે પ્રિન્ટ પ્લૅટફૉર્મ ન હોય એવા ડિજિટલ ન્યુઝ પબ્લિશર્સ તરફ ભેદભાવ રાખ્યો ગણાય.