છ દાયકા જૂના ઇન્કમ ટૅક્સ ઍક્ટનો અંત : નવું બિલ જાહેર : કરદાતાઓ માટે મૈત્રીપૂર્ણ અભિગમ : તમામ કરદાતાઓને સરળતા સ્વરૂપે રાહત આપવાનું લક્ષ્ય
ગઈ કાલે બજેટ-સેશન દરમ્યાન રાજ્યસભામાં બોલતાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ.
તાજેતરમાં સેન્ટ્રલ બજેટ-૨૦૨૫માં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપેલા વચન મુજબ નવું ઇન્કમ ટૅક્સ બિલ જાહેર થયું છે જેમાં ડાયરેક્ટ ટૅક્સ એટલે કે સીધા વેરાની પ્રક્રિયા તેમ જ ગતિવિધિને સુધારીને ચોક્કસ ગૂંચવણોને સરળ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ બિલના મુખ્ય ઉદ્દેશોમાં વિવાદ ઘટાડવા ઉપરાંત અનુપાલન (કમ્પ્લાયન્સ) વધારવા સાથે એના સરળીકરણનો સમાવેશ થાય છે. બજેટમાં મધ્યમ વર્ગને પ્રથમ વાર ઐતિહાસિક રાહત આપ્યા બાદ તમામ કરદાતાઓને કેન્દ્રમાં રાખીને આ નવું બિલ ઘડાયું હોવાનું પ્રતીત થાય છે. આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭થી એટલે કે ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવશે.
૬૦ વર્ષ પહેલાં આ ઍક્ટ ઘડાયો ત્યારે એમાં ઘણી જોગવાઈઓ અને સેક્શન્સ તો હતાં જ, પરંતુ સમય સાથે એમાં સંખ્યાબંધ સુધારા થતા ગયા એમ આ કાનૂન વધુ ગૂંચવણભર્યો બનતો ગયો હતો. એટલું જ નહીં, એના કૉમ્પ્લેક્સ સ્વરૂપને કારણે કરદાતાઓ માટે એ ભારે બોજ પણ બની ગયો હતો અને વિવાદના કિસ્સા પણ વધારતો રહ્યો હતો. હવે ૨૦૨૫માં સરકારે એને ખરા અર્થમાં સરળ બનાવવાની કવાયત કરી કહી શકાય.
ADVERTISEMENT
આ બિલમાં સમાવાયેલી કેટલીક ખાસિયતોની વાત કરીએ તો આ બિલ મારફત નાણાપ્રધાને અસેસમેન્ટ યર અને પ્રિવિયસ યરને સ્થાને હવે ટૅક્સ યર શબ્દ મૂક્યો છે. બિલમાં જૂનીપુરાણી-નકામી કહી શકાય એવી સંખ્યાબંધ જોગવાઈઓ દૂર કરી દેવાઈ છે.
બિલમાં ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS) અને ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ (TCS)ની જોગવાઈઓને સરળ રજૂઆત સાથે ટેબલ સ્વરૂપે રજૂ કરી છે.
જૂની ટૅક્સ રેજિમને જાળવી રાખી છે.
એમાં ટૅક્સ-સ્લૅબ, ટૅક્સ-રેટ અને કૅપિટલ ગેઇનમાં કોઈ ફેરફાર કરાયા નથી.
ધ ઇન્કમ ટૅક્સ ઍક્ટમાં સેક્શન ૮૦ છે જેમાં ૮૦-સી, ૮૦-ડી, ૮૦-ઈ વગેરે સેક્શન પણ છે. આ બધાં મળીને છેલ્લું સેક્શન નંબર પ્રમાણે ૨૯૮ છે. જોકે એનાં ક્લૉઝ યા સેક્શન્સની સંખ્યા ૫૦૦ સુધી જઈ શકે છે, પરંતુ ઓવરઑલ એમાં સરળીકરણ મહત્ત્વનું પરિબળ છે.
ટૅક્સ-ડિસ્પ્યુટના ઉકેલની પૅનલને વધુ મજબૂત કરાઈ છે.
અસેસિંગ ઑફિસરને વધુ સત્તા અપાઈ છે.
બિલમાં વાક્ય ટૂંકાં કરીને સરળ બનાવાયાં, વાંચવામાં પણ આસાન કરાયાં.
ફ્રિન્જ બેનિફિટ ટૅક્સ સંબંધી ગૂંચવણભર્યા સેક્શન નાબૂદ.
એમ્પ્લૉઈ સ્ટૉક ઑપ્શન્સ (ઈસોપ) જેવી કરજોગવાઈને સ્પષ્ટ કરાઈ છે.
આ બિલમાં ૨૩ ચૅપ્ટર્સ, ૫૩૬ સેક્શન્સ, ૧૬ શૅડ્યુલ સમાવતાં માત્ર ૬૨૨ પેજિસ છે; જે વર્તમાન કાનૂનનાં પાનાં કરતાં ૫૦ ટકા ઓછાં છે.
આમાં ટૅક્સ પેયર્સ માટે વિશેષ ચાર્ટર છે, જેમાં કરદાતાઓના અધિકારો અને જવાબદારીઓનું વર્ણન છે.
કરદાતા નવા આઇટી બિલ હેઠળ પણ કલમ ૮૦-સીનાં ડિડક્શન્સ ક્લેમ કરી શકશે, પરંતુ એનું સેક્શન હવે ૧૨૩ રહેશે.
સેક્શન ૮૦-સીનાં ડિડક્શન ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS), પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (PPF), લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ, નૅશનલ પેન્શન સિસ્ટમ (NPS), કરબચત યોજનાઓ વગેરેને આવરી લે છે.
આમ સેક્શન ૮૦-સી હેઠળ દોઢ લાખ રૂપિયાની મર્યાદા સુધીના ડિડક્શન માટે મલ્ટિપલ સાધનો રોકાણ માટે ઉપલબ્ધ રહે છે.
એક વ્યક્તિ અથવા હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી (HUF)ને ટૅક્સ વર્ષ દરમ્યાન જે પણ ડિપોઝિટ કરાઈ હશે એમાં દોઢ લાખ રૂપિયાની રકમ સુધી જ બાદ મળશે, એથી વધુ નહીં.
આ બિલ હવે સિલેક્ટ કમિટીને જશે જે તેનો રિપોર્ટ આગામી સત્રના પ્રથમ દિવસે સુપરત કરશે.
નવા બિલમાં ડિજિટલ ઍસેટ્સ અને ઑનલાઇન ઇન્કમ અને ક્રિપ્ટોકરન્સી
નવા ઇન્કમ ટૅક્સ બિલમાં ડિજિટલ ઍસેટ્સ સંબંધી ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં ઑનલાઇન પ્રવૃત્તિઓ સહિત ઘણી બાબતો સમાઈ જાય છે. આમાં ક્રિપ્ટોકરન્સી પણ આવી જાય છે. આ વિશેની તમામ જોગવાઈઓને સમજવી જોઈશે
નવા બિલની અમુક નવી વાત જોઈએ તો આ બિલમાં ડિજિટલ આવક અને ઍસેટ્સ પર પણ ટૅક્સ લાદવાની વાત છે. અર્થાત્ આ મુદો અત્યાર સુધી સ્પષ્ટ નહોતો, પણ આ વખતે એને ડિફાઇન કરીને ઇન્કમ ટૅક્સ માટે એક્સપાન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે ડિજિટલ એન્ટરપ્રાઇઝિસ, ઇનોવેશન અને રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ઑનલાઇન પ્રવૃત્તિઓને હવે પછી આવકવેરા માટે અલગ નિયમ સાથે જોવામાં આવી શકે છે. ડિજિટલના સતત વિસ્તાર સાથે સરકારે ભાવિને ધ્યાનમાં રાખીને આ સંદર્ભનાં પગલાં નવા બિલમાં સમાવ્યાં છે. ડિજિટાઇઝેશનના ખર્ચને પણ અલગ રીતે ગણતરીમાં લેવાનો અભિગમ રાખવામાં આવ્યો છે.
ખાસ ધ્યાન આપવા જેવી બાબતમાં બિલમાં ડિજિટલ ઍસેટ્સના સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ પર ટૅક્સનો મુદો છે. અર્થાત્ ક્રિપ્ટોકરન્સી કે અન્ય કોઈ પણ ડિજિટલ ઍસેટ્સને આમાં ગણતરીમાં લેવાશે એવી શક્યતા છે અથવા બિલમાં એનો સંકેત છે.
રોજગારની ઊંચી સંભાવના ધરાવતાં સ્ટાર્ટઅપ્સ માટે ખાસ જોગવાઈ આ બિલમાં છે.
ફૅમિલી પેન્શનમાં ડિડક્શનની મર્યાદા વધારીને ડિપેન્ડન્ટને રાહત આપવામાં આવી છે.

