કોરોનાનું નવું સ્વરૂપ વધુ ગંભીર નથી: સરકાર
બ્રિટન તથા વિશ્વના અન્ય દેશોમાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા સ્વરૂપ વિશે નીતિ (એનઆઇટીઆઇ - નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા) આયોગે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે ગભરાવાની કોઈ જરૂર નથી.
નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે જણાવ્યું હતું કે કોરોનાવા ઇરસનું નવું સ્વરૂપ કોવિડ-19ની બીમારીની ગંભીરતા વધારતું નથી કે ઉપલબ્ધ રસીની પ્રવૃત્તિને પ્રભાવિત કરતું નથી.
ADVERTISEMENT
નવા સ્વરૂપે જ્યાં દેખા દીધી છે એ બ્રિટનમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર એ બીમારીની ગંભીરતા, મૃત્યુ અને હૉસ્પિટલાઇઝેશનનો દર વધારતું નથી. વળી અભ્યાસ સૂચવે છે કે કોરોના સામેની ઉપલબ્ધ રસીઓ કોરોના વાઇરસના બદલાયેલા સ્વરૂપ સામે પણ અસરકારક છે. આથી ભય અનુભવવાની જરૂર નથી એમ પૉલે જણાવ્યું હતું.
બ્રિટનના વિજ્ઞાનીઓએ કોરોનાના છેલ્લા પ્રકારમાં ૧૭ ફેરફાર અથવા તો મ્યુટેશન્સ નોંધ્યાં છે. સૌથી નોંધપાત્ર મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં નોંધાયું છે. સ્પાઇક પ્રોટીનના ભાગમાં થયેલા ફેરફારને કારણે વાઇરસ વધુ ચેપી બન્યો છે અને લોકોમાં એ વધુ સહેલાઈથી પ્રસરે છે. બ્રિટિશ સરકારે આ સ્વરૂપ ૭૦ ટકા વધુ ચેપી હોવાનું નોંધ્યું છે.
યુકેના વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોનાની વેક્સિનની અસરકારકતા નહીં ઘટે
કોરોના વાઇરસના નવા સ્વરૂપને લઈને યુકેના વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઝડપથી ફેલાતા કોરોના વાઇરસનું નવું સ્વરૂપ રસીની અસરકારકતાને હાલ પૂરતી અસર નહીં કરે, પરંતુ આ નવા સ્વરૂપને કારણે કેસની સંખ્યા મોટા પ્રમાણમાં વધી શકે છે એટલે સાવચેતી રાખવી જરૂરી છે.

