પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલને લાઇસન્સ આપવાની પરમિશન મળશે : પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલ પાસે એકથી બે એકર જમીનમાં ટેસ્ટિંગ સુવિધા હોવી જરૂરી
પ્રતીકાત્મક તસવીર
પહેલી જૂનથી ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવવા માટે હવે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં જવાની જરૂર નહીં પડે, કારણ કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મિનિસ્ટરીએ ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવવાના નવા નિયમો જાહેર કરી દીધા છે. હવે પ્રાઇવેટ ડ્રાઇવિંગ સ્કૂલો ડ્રાઇવિંગ-ટેસ્ટ લઈને ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવવા માટેનું સર્ટિફિકેટ આપી શકશે. નવું ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવવા માટે પેપરવર્ક ઓછું કરી દેવાયું છે. ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરનાં લાઇસન્સ મેળવવા માટે હવે ઓછા દસ્તાવેજ આપવા પડશે.
ડ્રાઇવિંગ સ્કૂલો માટે નવા નિયમ
ADVERTISEMENT
જે ડ્રાઇવિંગ સ્કૂલ ટૂ-વ્હીલરનું લાઇસન્સ આપવા માગતી હોય તેની પાસે એક એકર અને ફોર-વ્હીલરનું લાઇસન્સ આપવા માગતી હોય તેની પાસે બે એકરની જમીન પર ટેસ્ટિંગ સુવિધા હોવી જરૂરી છે. ડ્રાઇવિંગ ટ્રેઇનર પાસે હાઈ સ્કૂલ ડિપ્લોમા કે એના સમકક્ષના અભ્યાસનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તેને પાંચ વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક્સ કેવી રીતે લેવું એ સંબંધિત ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનું જ્ઞાન હોવું આવશ્યક છે. જે ડ્રાઇવિંગ સ્કૂલો ટ્રેઇનિંગ આપ્યા વિના લાઇસન્સ આપશે કે રિન્યુ કરશે એને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
કેટલી ટ્રેઇનિંગ જરૂરી?
લાઇટ મોટર વેહિકલ્સ (LMV) માટે ચાર અઠવાડિયાંમાં ૨૯ કલાકની ટ્રેઇનિંગ (૮ કલાક થિયરી, ૨૧ કલાક પ્રૅક્ટિકલ્સ) જરૂરી છે. હેવી મોટર વેહિકલ્સ (HMV) માટે છ અઠવાડિયાંમાં ૩૮ કલાકની ટ્રેઇનિંગ (૮ કલાક થિયરી, ૩૧ કલાક પ્રૅક્ટિકલ્સ) જરૂરી છે.
લાઇસન્સ ફી અને બીજા ચાર્જ
નવા નિયમો મુજબ લર્નર્સ લાઇસન્સ માટે ૧૫૦ રૂપિયા, એની ટેસ્ટ માટે બીજા ૫૦ રૂપિયાનો ચાર્જ લાગશે. ડ્રાઇવિંગ-લાઇસન્સ ટેસ્ટ માટે ૩૦૦ રૂપિયા લેવામાં આવશે. ડ્રાઇવિંગ-લાઇસન્સ ઇશ્યુ કરવા માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવશે. ડ્રાઇવિંગ-લાઇસન્સ પર ઍડ્રેસ બદલવા માટે ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ-લાઇસન્સ મેળવવા માટે ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. જોકે એમાં પાસપોર્ટ અને વિદેશના વીઝા રજૂ કરવા પડશે. એના માટે અરજદારે ખુદ RTOમાં જવું પડશે.
૯ લાખ સરકારી વાહનો દૂર થશે
મિનિસ્ટરીએ જાહેર કરેલા નિયમો હેઠળ દેશમાં વાહનોથી થતા પ્રદૂષણને રોકવા માટે જૂનાં વાહનોને ભંગારવાડે મોકલવામાં આવશે અને એમાં સરકારી વિભાગોનાં આશરે ૯,૦૦,૦૦૦ વાહનોને રસ્તાઓ પરથી હટાવી દેવાશે. વાહનોમાંથી નીકળતા ધુમાડાને રોકવા માટે સ્ટ્રિક્ટ ઇમિશન ધોરણ લાગુ કરાશે.
સગીર વાહન ચલાવશે તો ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ થશે
સ્પીડ-લિમિટ કરતાં વધારે ઝડપથી ડ્રાઇવિંગ કરવા માટેનો દંડ ૧૦૦૦થી ૨૦૦૦ રૂપિયા છે, પણ જો કોઈ સગીર ડ્રાઇવિંગ કરતા પકડાશે તો તેને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ થશે અને વાહનમાલિકનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. જ્યાં સુધી આ સગીર પચીસ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાઇસન્સ આપવામાં નહીં આવે.

