બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે તેમની વિરુદ્ધ આરોપ મૂકનારી મહિલાઓ મહાદેવ રેસલિંગ ઍકૅડેમીમાંથી આવે છે અને કૉન્ગ્રેસના એક નેતાના હાથમાં એ અખાડાનું સુકાન છે
નવી દિલ્હીમાં ગઈ કાલે જંતરમંતર ખાતે વિરોધ-પ્રદર્શન દરમ્યાન રેસલર્સ બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકની સાથે ભીમ આર્મીના વડા ચન્દ્રશેખર આઝાદ. તસવીર પી.ટી.આઇ.
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ અને બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહે ગઈ કાલે ‘એક ફૅમિલી’ અને ‘એક અખાડા’ વિરુદ્ધના તેમના આરોપને લઈને ખુલાસો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મહિલા રેસલર્સની સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટની ‘ફેક’ ફરિયાદો દ્વારા તેમની છબિને ખરાબ કરવાની કોશિશ છે. ૯૦ ટકા ઍથ્લીટ્સ અને તેમનાં માતા-પિતાને રેસલિંગ ફેડરેશન પર વિશ્વાસ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે મારી વિરુદ્ધ ફરિયાદ કરનારી મહિલાઓ એક જ પરિવારમાંથી આવે છે અને એક જ અખાડાની છે.
તેમણે ન્યુઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સમગ્ર દુનિયા જાણે છે કે આ તમામ મહિલાઓ મહાદેવ રેસલિંગ ઍકૅડેમીમાંથી આવે છે અને દીપેન્દર સિંહ હુડા (કૉન્ગ્રેસના નેતા)ના હાથમાં એ અખાડાનું સુકાન છે. વિરોધ-પ્રદર્શન કરનારાઓએ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું છે. એ બાબતને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકો ઇન્ડિયન રેલવેના કર્મચારીઓ પણ છે.’
ADVERTISEMENT
તેમણે વધુ જણાવ્યું હતું કે ‘તમને જંતરમંતર પરથી ન્યાય નહીં મળે. જો તમે ન્યાય ઇચ્છતા હશો તો તમારે પોલીસ પાસે અને કોર્ટમાં જવું પડે. તેઓ છેક હવે ગયા. તેઓ ફક્ત અપશબ્દો કહેતા રહ્યા. કોર્ટ જે કંઈ પણ નક્કી કરશે એનો અમે સ્વીકાર કરીશું.’
સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ શા માટે દિલ્હીમાં જંતરમંતર ખાતે વિરોધ-પ્રદર્શન કરી રહેલા રેસલર્સને સપોર્ટ આપવા માટે નથી ગયા એના જવાબમાં બ્રિજભૂષણે કહ્યું હતું કે ‘અખિલેશ યાદવ સચ્ચાઈ જાણે છે. અમે એકબીજાને બાળપણથી જાણીએ છીએ. ઉત્તર પ્રદેશમાં ૮૦ ટકા રેસલર્સ સમાજવાદી પાર્ટીની વિચારધારામાં માનતા પરિવારોમાંથી આવે છે.’
નોંધપાત્ર છે કે કૉન્ગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રીસન્ટ્લી જંતરમંતર ગયાં હતાં અને રેસલર્સને સપોર્ટ આપ્યો હતો.