કેટલાક OTT પ્લૅટફૉર્મ્સ પર દર્શાવાતી પૉર્નોગ્રાફિક મામલે સુપ્રીમ ચિંતિત
સૈફ અલી ખાન
સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે કેટલાંક ઓવર-ધ-ટૉપ (ઓટીટી) પ્લૅટફૉર્મ્સ પૉર્નોગ્રાફી પ્રકારની સામગ્રી દર્શાવે છે અને આવા કાર્યક્રમોનું નિયમન થવું જોઈએ.
જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સના નિયમન માટે સરકારની તાજેતરની માર્ગદર્શિકા શુક્રવારે એની સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. એ દિવસે બેન્ચ ‘તાંડવ’ વેબ-સિરીઝ સામે નોંધાવવામાં આવેલા એફઆઇઆર મામલે ઍમેઝૉન પ્રાઇમ વિડિયોના ભારતનાં હેડ અપર્ણા પુરોહિતના આગોતરા જામીન ફગાવતાં અલાહાબાદ હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી હાથ ધરશે.
ADVERTISEMENT
સંતુલન સધાવું જરૂરી છે, કારણ કે કેટલાંક ઓટીટી પ્લૅટફૉર્મ્સ પૉર્નોગ્રાફિક સામગ્રી દર્શાવી રહ્યાં છે, એમ જસ્ટિસ આર. એસ. રેડ્ડીને પણ સમાવતી બેન્ચે જણાવ્યું હતું.
અપર્ણા પુરોહિતના વકીલ સિનિયર ઍડ્વોકેટ રોહતગીએ પુરોહિત વિરુદ્ધનો કેસ ‘આઘાતજનક’ ગણાવતાં જણાવ્યું હતું કે ‘પુરોહિત ઍમેઝૉનની કર્મચારી છે અને તેઓ શોનાં નિર્માત્રી પણ નથી કે એમાં અભિનય પણ નથી કર્યો. તેમ છતાં, દેશભરમાં વેબ-સિરીઝ પરના ૧૦ જેટલા કેસમાં તેમને આરોપી બનાવાયા છે.’
નવ એપિસોડની રાજકીય થ્રિલર ‘તાંડવ’માં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા અને મોહમ્મદ ઝીશાન ઐયુબ જેવા સ્ટાર્સ ચમકી રહ્યા છે. પુરોહિત પર ઉત્તર પ્રદેશના પોલીસ બેડા, હિન્દુ દેવતાઓનાં અયોગ્ય ચિત્રણ તથા વેબ-સિરીઝમાં વડા પ્રધાન બની રહેલા પાત્રના વિપરીત વર્ણનનો આરોપ મૂકવામાં આવ્યો છે.

