આજે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે સોનિયાની બેઠક
સોનિયા ગાંધી
કૉન્ગ્રેસના નેતૃત્વની નબળાઈઓ બાબતે ચાર મહિના પહેલાં પક્ષપ્રમુખ સોનિયા ગાંધીને લખવામાં આવેલા પત્રને મુદ્દે હવે આંતરિક ચર્ચા-મનોમંથન શરૂ થવાની શક્યતા છે. એ વખતે પત્ર લખનારા ૨૩ નેતાઓ જોડે આજે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી ચર્ચા કરે એવી શક્યતા છે. પક્ષપ્રમુખની ચૂંટણીના પડકાર બાબતે આજે સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતાઓની બેઠક યોજી છે. તેમાં પત્રલેખક ૨૩ નેતાઓએ ઉપસ્થિત કરેલા મુદ્દાના વિશ્લેષણની પણ શક્યતા છે.
ચાર મહિના પહેલાં ૨૩ નેતાઓએ પત્ર લખ્યા પછી કૉન્ગ્રેસની આંતરિક સ્થિતિ કથળી હતી. એ પત્ર પછી યોજાયેલી કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ ધાંધલ થઈ હતી. એ વખતનો ઊહાપોહ શાંત પાડવાની દૃષ્ટિએ પણ આજની બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજેતરમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ગાંધી-નહેરુ પરિવારના વિશ્વાસુ મનાતા કમલનાથ સોનિયા ગાંધીને મળ્યા ત્યારે તેમણે અસંતુષ્ટ નેતાઓને મળીને તેમની નારાજગી દૂર કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. આ બેઠક યોજવામાં પણ કમલનાથની મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું પણ કહેવાય છે.

