મનોજ તિવારીએ કેજરીવાલને નકલી ભક્ત ગણાવ્યા
મનોજ તિવારી
અરવિંદ કેજરીવાલે હનુમાનજીની પૂજા કર્યા બાદ બીજેપીના સાંસદ મનોજ તિવારીએ કરેલી ટિપ્પણીથી ફરી એક વખત વિવાદ સર્જાયો છે. મનોજ તિવારીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલે જે હાથેથી ચંપલ ઉતાર્યા તે હાથેથી જ હનુમાનજીની પૂજા કરી. તે કેટલો ગંદો માણસ છે. મનોજ તિવારીએ કેજરીવાલને નકલી ભક્ત ગણાવતા કહ્યું કે કેજરીવાલે પૂજા કર્યા બાદ અશુદ્ધ થયેલા હનુમાનજી મંદિરને ધોઈ ફરી શુદ્ધ કરવામાં આવ્યું.
દિલ્હીની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા હનુમાનજીની પૂજાને લઇને રાજકારણ ગરમાયું છે, ત્યારે કેજરીવાલે બીજેપીના સાંસદ મનોજ તિવારીની ટિપ્પણી પર પલટવાર કર્યો છે. કેજરીવાલે ટ્વીટ કરી જણાવ્યું કે મેં જ્યારથી એક ટીવી-ચૅનલ પર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે ત્યારથી બીજેપીના નેતાઓ મારી સતત મજાક ઉડાવી રહ્યા છે. ગઈ કાલે હું હનુમાન મંદિરે ગયો. આજે બીજેપીના નેતાઓ કહે છે કે મારા જવાથી મંદિર અશુદ્ધ થઈ ગયું. આ કયા પ્રકારની રાજનીતિ છે. ભગવાન તો દરેકના છે. ભગવાન સૌને આશીર્વાદ આપે, બીજેપીવાળાઓને પણ.

