ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનનાં પ્રેસિડન્ટ જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન કરી રહેલા રેસલર્સને મળ્યાં
નવી દિલ્હીમાં ગઈ કાલે જંતરમંતર પર રેસલર્સ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને સંગીતા ફોગાટની સાથે રાજ્ય સભાનાં સંસદસભ્ય અને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનનાં પ્રેસિડન્ટ પી. ટી. ઉષા. તસવીર પી.ટી.આઇ.
ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનનાં પ્રેસિડન્ટ પી. ટી. ઉષા ગઈ કાલે દિલ્હીના જંતરમંતર ખાતે અગિયાર દિવસથી વિરોધ-પ્રદર્શન કરી રહેલા બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ તેમ જ અન્ય રેસલર્સને મળ્યાં હતાં. આ રેસલર્સ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપની તપાસ કરાવવાની માગણીને લઈને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.
પી. ટી. ઉષા ત્યાં એકત્ર મીડિયાકર્મીઓની સાથે વાતચીત કર્યા વિના વિરોધ-પ્રદર્શનના સ્થળેથી નીકળી ગયાં હતાં. જોકે રેસલર બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે ‘તેમણે અમને મદદ કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ પહેલાં તેમની કમેન્ટ્સને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી અને તેઓ સૌપ્રથમ એક ઍથ્લીટ છે અને એ પછી એક ઍડ્મિનિસ્ટ્રેટર. તેમણે અમને જણાવ્યું હતું કે તેઓ અમારી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અને અમને ન્યાય અપાવવા માટે કોશિશ કરશે.’
ADVERTISEMENT
પૂનિયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ જેલમાં ન જાય ત્યાં સુધી અમે અહીં જ વિરોધ પ્રદર્શન કરતા રહીશું.
રેસલર્સ દ્વારા મૂકવામાં આવેલા આરોપોની તપાસ માટે નિમાયેલી કમિટીના રિપોર્ટની રાહ જોયા વિના વિરોધ-પ્રદર્શન કરવા બદલ ઉષાએ તેમની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘એ વિરોધ-પ્રદર્શન અશિસ્ત ગણાશે. રેસલર્સે ઓછામાં ઓછું આ કમિટીના રિપોર્ટ માટે રાહ જોવાની જરૂર હતી.’ રેસલર્સે ઉષાની આ કમેન્ટની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને તો ઉષા તરફથી સપોર્ટની આશા હતી.
પહેલવાનો માટે સ્ટુડન્ટ્સની ‘કુસ્તી’
નવી દિલ્હીમાં ગઈ કાલે દિલ્હી યુનિવર્સિટીની આર્ટ ફૅકલ્ટી ખાતે જુદાં-જુદાં સ્ટુડન્ટ્સ યુનિયન્સના ઍક્ટિવિસ્ટ્સે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ ધરણાં પર બેસેલા રેસલર્સના સપોર્ટમાં વિરોધ આંદોલન કર્યું હતું. તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો. જે દરમ્યાન પોલીસ અનેક સ્ટુડન્ટ્સને ટીંગાટોળી કરીને, ઘસડીને લઈ ગઈ હતી અને તેમની અટકાયત કરી હતી. સ્ટુડન્ટ્સે પોલીસ પર માર મારવાનો આરોપ મૂક્યો હતો.