મુંબઈમાં પહેલી ફરિયાદ સાઇબર-ફ્રૉડની
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ન્યાય સંહિતા (BNS) લાગુ થયા બાદ આ કાનૂન હેઠળ દેશમાં પહેલો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મધરાત બાદ ૧૨.૧૦ વાગ્યે નોંધાયો હતો. ૧.૮૦ લાખ રૂપિયાની મોટરસાઇકલની ચોરીની આ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે નવા કાયદા હેઠળ દેશનો પહેલો FIR સેન્ટ્રલ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, પરંતુ ગઈ કાલે આ બાબતે દેશના ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી.
ગઈ કાલથી BNSએ ૧૬૩ વર્ષ જૂના ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની જગ્યા લીધી છે.
ADVERTISEMENT
મુંબઈમાં નવા કાયદા હેઠળ ગઈ કાલે પહેલી ફરિયાદ સાઇબર-ફ્રૉડની નોંધવામાં આવી છે. ગિરગામમાં રહેતા અને રોડસાઇડ ખાદ્યપદાર્થનો વ્યવસાય કરતા ૩૬ વર્ષના દિલીપ સિંહે ૨૫ જૂનથી ૧ જુલાઈ દરમ્યાન પાંચ લાખ રૂપિયાની લોન માટે ઇન્ટરનેટ પર સર્ચ કરીને ૭૩,૧૧૬ રૂપિયા સાઇબર-ફ્રૉડમાં ગુમાવ્યા હોવાની ફરિયાદ ગઈ કાલે ડી. બી માર્ગ પોલીસ-સ્ટેશનમાં કરી હતી.
આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૩૧૮ (છેતરપિંડી), ૩૧૯ (વ્યક્તિ દ્વારા છેતરપિંડી) અને IT ઍક્ટની કલમ ૬૬ હેઠળ અજાણી વ્યક્તિ સામે નોંધવામાં આવ્યો છે.
પોલીસને કરવામાં આવ્યું બુકલેટનું વિતરણ
મહારાષ્ટ્ર પોલીસે તેમના અધિકારીઓને જૂના કાયદાઓમાંથી નવા કાયદા આસાનીથી અડૉપ્ટ કરી શકે એ માટે ક્રાઇમ ઇન્ફર્મેશન નામની એક બુકલેટનું વિતરણ કર્યું છે. આ બુકલેટ સાથે રાજ્ય પોલીસે મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ, મિલકતના ગુનાઓ, આર્થિક ગુનાઓ, સંગઠિત ગુનાઓ, આતંકવાદી કૃત્યો માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (SOP) પણ જાહેર કરી છે. ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) રશ્મિ શુક્લાએ ૯૫ પાનાંની બુકલેટ જાહેર કરીને પોલીસકર્મીઓને એનો ઉપયોગ કરવા વિનંતી કરતાં જણાવ્યું હતું કે ‘આ બુલકેટના રૂપમાં સિસ્ટમનો એક ઉત્તમ ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આની મદદથી કેસ નોંધતી વખતે કલમો અને નિયમો સમજવાં તમારા માટે સરળ રહેશે એટલું જ નહીં, તપાસને લગતી મૂંઝવણ સરળતાથી ટાળી શકાશે’
નવી મુંબઈના પોલીસ-કમિશનર મિલિંદ ભારમ્બેએ આ પુસ્તિકા તૈયાર કરી છે જે ૨૬ જૂને તમામ જિલ્લા પોલીસ, કમિશનરેટ, ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (IG) અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ઑફિસોને વિતરિત કરવામાં આવી છે.