વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સ્ટુડન્ટ્સને પોતાના સંદેશમાં ક્યારેય શૉર્ટકટ ન લેશો એમ કહી ચેતવણી આપી હતી કે ચીટિંગ તમને પરીક્ષામાં એક કે બે વખત મદદ કરશે, પણ લાંબા ગાળે એ નુકસાન કરશે.
નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ગઈ કાલે ‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિ દરમ્યાન સ્ટુડન્ટ્સની સાથે વાતચીત કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સ્ટુડન્ટ્સને પોતાના સંદેશમાં ક્યારેય શૉર્ટકટ ન લેશો એમ કહી ચેતવણી આપી હતી કે ચીટિંગ તમને પરીક્ષામાં એક કે બે વખત મદદ કરશે, પણ લાંબા ગાળે એ નુકસાન કરશે.
પરીક્ષાના તનાવના મુદ્દા પર સ્ટુડન્ટ્સ સાથેની વાર્ષિક વાતચીતના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સ્ટુડન્ટ્સના પ્રશ્નોનો જવાબ આપતાં તેમણે સ્ટુડન્ટ્સને પોતાના કામ પર ફોકસ કરવા કહ્યું હતું. ગૅજેટ્સના વધુપડતા ઉપયોગ સામે સ્ટુડન્ટ્સને ચેતવણી આપતાં મોબાઇલ ફોનનો વધુપડતો ઉપયોગ ટાળી પોતાની ચતુરાઈ પર વિશ્વાસ કરવા કહ્યું હતું.
ટેક્નૉલૉજીથી વિચલિત થવાને બદલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સમય પસાર કરવા માટે અલગથી સમયની ફાળવણી કરવાનું સૂચન કર્યું હતું. પરીક્ષામાં ગેરરીતિ આચરવાના વિષયે સખત વિરોધ વ્યક્ત કરી તેમણે સ્ટુડન્ટ્સને પરીક્ષામાં તનાવ દૂર કરવા બાબતે પણ કેટલીક મહત્વની સલાહ આપી હતી.
પરીક્ષામાં પાસ થવામાં ચીટિંગ મદદ કરી શકે છે પરંતુ લાંબા ગાળે જીવનની પરીક્ષામાં એ કામ નહીં લાગે, આથી ક્યારેય શૉર્ટકટ લેશો નહીં. સ્ટુડન્ટ્સની મહેનત તેમને જીવનમાં આગળ વધવામાં હંમેશાં મદદરૂપ બની રહેશે. વિદ્યાર્થીઓએ તેઓ તેમની શક્તિઓને ઓછી આંકી રહ્યા છે કે કેમ એ જાણવા માટે સમયાંતરે તેમના પર લાગુ દબાણનું વિશ્લેષણ કરવું જોઈએ.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પરિવારજનો વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખે એ કુદરતી છે પરંતુ તેમણે પોતાની અપેક્ષાઓને સોશ્યલ ક્લાસ કે સ્ટેટસ સાથે ન જોડવી જોઈએ. પરીક્ષાનું પરિણામ જીવનનો અંત નથી.