Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક રાત પહેલાં મને ક્વેશ્ચન-પેપર મળ્યું હતું અને પરીક્ષામાં ૧૦૦ ટકા એ જ સવાલ પૂછવામાં આવ્યા હતા

એક રાત પહેલાં મને ક્વેશ્ચન-પેપર મળ્યું હતું અને પરીક્ષામાં ૧૦૦ ટકા એ જ સવાલ પૂછવામાં આવ્યા હતા

Published : 21 June, 2024 09:27 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારના ઇનકાર વચ્ચે આખરે NEETનાં પેપર લીક થયાં હોવાના પુરાવા આવ્યા બહાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ છે બિહારમાં પકડાયેલા NEETના વિદ્યાર્થીએ પોલીસને આપેલું કબૂલાતનામું : અનુરાગ યાદવ નામના સ્ટુડન્ટના ફુઆએ કર્યું હતું સેટિંગ : જે ગેસ્ટહાઉસમાંથી આખું રૅકેટ ચલાવવામાં આવતું હતું એનું તેજસ્વી યાદવના પર્સનલ સેક્રેટરીએ બુકિંગ કર્યું હોવાનો બિહારના ડેપ્યુટી CMએ કર્યો આરોપ :  આરોપીનું કહેવું છે કે આ ગૅન્ગ BPSC અને UPSCનાં પેપર પણ કરે છે લીક


નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવેલી નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ્સ (NEET-UG) ૨૦૨૪ની પરીક્ષામાં અત્યાર સુધી ગેરરીતિનો આરોપ કરવામાં આવતો હતો અને એને લઈને સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા છે અને સુપ્રીમ કોર્ટ તમામ યાચિકાની સુનાવણી પણ કરી રહ્યું છે ત્યારે પરીક્ષાના પેપરને લઈને ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં છે.



સ્ટુડન્ટ્સ સતત પેપર-લીક બાબતે NTAને કોઈ કાર્યવાહી કરવાનું કહી રહી છે, પણ એણે વિદ્યાર્થીઓની વાતના કોઈ પુરાવા ન હોવાનું કહીને એને ગંભીરતાથી નહોતી લીધી એટલું જ નહીં, એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને પણ થોડા દિવસ પહેલાં પેપર-લીકની વાતને મનઘડંત કહાની કહીને ઉડાડી દીધી હતી. જોકે હવે બિહાર પોલીસે આ કેસમાં ધરપકડ કરેલા વિદ્યાર્થીઓએ કબૂલ્યું છે કે તેમને પરીક્ષાની આગલી રાતે જે ક્વેશ્ચન-પેપર મળ્યું હતું એ જ બીજા દિવસે પરીક્ષામાં આવ્યું હતું.


આ બાબતે પટનાના શાસ્ત્રીનગર પોલીસ-સ્ટેશને અનુરાગ યાદવ નામના એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તેણે પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘જે ક્વેશ્ચન-પેપર લીક થયું હતું એ જ પરીક્ષામાં આવ્યું હતું. ૧૦૦ ટકા લીક થયેલા પેપરમાં જે પ્રશ્નો હતા એ જ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. મને આ પ્રશ્નપત્ર પરીક્ષાની આગલી રાતે આપવામાં આવ્યું હતું. મારા ફુઆએ આ સેટિંગ કર્યું હતું. તેમણે મને ફોન કરીને કોટાથી પટના બોલાવ્યો હતો અને આખી રાત આ પ્રશ્નપત્રના જવાબ ગોખાવ્યા હતા.’

જોકે પરીક્ષા બાદ પોલીસે અનુરાગ યાદવની ધરપકડ કરી હતી. NEETની પરીક્ષામાં પેપર-લીકની ફરિયાદ બિહાર અને ગુજરાતથી આવી રહી છે અને એને માટે વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) પાસે આ કેસની તપાસ કરાવવાની માગણી કરી છે. આ કેસમાં અત્યાર સુધી પટના અને ગુજરાતના પંચમહાલ ‌જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. પટનામાં જે ૧૩ લોકોની ધરપકડ થઈ છે એમાં ચાર સ્ટુડન્ટ્સ છે.


આ કેસમાં પોલીસે અનુરાગ યાદવના ફુઆ સિકંદર પ્રસાદ યાદવેંદુની પણ ધરપકડ કરી છે. તેઓ બિહારની દાનાપુર નગર પરિષદમાં જુનિયર એન્જિનિયર છે. તેમણે પોલીસને કહ્યું હતું કે અનુરાગ સહિત NEETના ચાર વિદ્યાર્થીઓને મેં મદદ કરી હતી.

પોલીસે જણાવ્યા મુજબ સિકંદર પ્રસાદ યાદવેંદુ આખું રૅકેટ ચલાવતી ગૅન્ગના સંપર્કમાં હતો, જેણે NEET ઉપરાંત બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)નાં ક્વેશ્ચન-પેપર પણ લીક કર્યાં છે. આ તમામ આરોપીઓ એક ગેસ્ટહાઉસમાં રહીને આ રૅકેટ ચલાવતા હતા. પરીક્ષાની આગલી રાતે તેમણે વિદ્યાર્થીઓને પણ એ જ ગેસ્ટહાઉસમાં બોલાવ્યા હતા. ગેસ્ટહાઉસની બિલબુકમાં એક મિનિસ્ટરનું નામ પણ પોલીસને મળ્યું છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રધાને જ અનુરાગ યાદવ અને તેના સાથીઓને આ ગેસ્ટહાઉસમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપી હતી.

આ કેસ સંદર્ભમાં બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર વિજય સિંહાએ કહ્યું હતું કે ‘ગેસ્ટહાઉસમાંથી જે લોકોને પકડવામાં આવ્યા છે એ લોકો પ્રીતમ સાથે જોડાયેલા છે અને આ પ્રી‌તમ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવનો પ્રાઇવેટ સેક્રેટરી (PS) છે. પ્રીતમ અને સિકંદર સંબંધી છે અને તેમણે જ ગેસ્ટહાઉસમાં બધી ગોઠવણ કરી હતી.’

બાવન વર્ષના પ્રીતમે BPSC પાસ કર્યું છે અને ૨૦૨૨માં તે તેજસ્વી યાદવનો PS બન્યો હતો.

પરીક્ષાની આગલી રાતે જેને પેપર મળ્યું હતું તેને આવ્યા ૭૨૦માંથી માત્ર ૧૮૫ માર્ક્સ

અનુરાગ યાદવ નામના સ્ટુડન્ટની આ કેસમાં પોલીસે ધરપકડ કરી છે અને તેણે પોલીસ સામે પોતાને પરીક્ષાની આગલી રાતે પેપર મળી ગયું હોવાની કબૂલાત કરી છે. જોકે આમ છતાં નવાઈની વાત એ છે કે NEETમાં તેને ૭૨૦માંથી માત્ર ૧૮૫ માર્ક્સ જ આવ્યા છે. તેના ટોટલ પર્સન્ટાઇલ પણ ૫૪.૮૪ છે. ગઈ કાલે NTAએ અનુરાગના માર્ક્‍સ જાહેર કર્યા હતા. આના પરથી એવો ક્યાસ લગાવવામાં આવે છે કે ગોખણપટ્ટી કરવાનો સમય ન મળતાં તેને ઓછા માર્ક‍્સ આવ્યા છે. તેની સાથે પકડાયેલા બીજા ત્રણ સ્ટુડન્ટ્સમાંથી એકને ૩૦૦ અને બીજા બેને અનુક્રમે ૪૮૩ અને ૫૮૧ માર્ક્‍સ આવ્યા છે. અનુરાગના ફુઆ સિકંદરે પોલીસને પૂછપરછ દરમ્યાન કહ્યું હતું કે ‘અમિત આનંદ અને નીતીશ કુમારે મારી પાસે સ્ટુડન્ટદીઠ ૩૦થી ૩૨ લાખ રૂપિયા માગ્યા હતા. મેં તેમને કહ્યું હતું કે મારી પાસે ચાર સ્ટુડન્ટ્સ છે. જોકે લાલચમાં આવીને મેં દરેક વિદ્યાર્થી પાસેથી ૪૦ લાખ રૂપિયા માગ્યા હતા.’

NEETની પરીક્ષા રદ કરવા બાબતે સુપ્રીમ કોર્ટે NTAને જવાબ દાખલ કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે NEET-UG ૨૦૨૪ની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કરીને હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ૩ યાચિકાઓ પરની સુનાવણી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. આ ૩ યાચિકામાં ૨૦ વિદ્યાર્થીઓની એક પિટિશન છે જેમાં તેમણે NEET-UG ૨૦૨૪ની પરીક્ષા રદ કરવાનો નિર્દેશ NTAને આપવા કોર્ટને વિનંતી કરી છે. આ યાચિકા સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે NTA, કેન્દ્ર સરકાર અને આ કેસ સાથે સંકળાયેલી તમામ પાર્ટીઓને પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે.

શું છે NEET પરીક્ષા?

મેડિકલ, ડેન્ટલ, આયુષ અને નર્સિંગના ગ્રૅજ્યુએશન કોર્સમાં ઍડ્મિશન માટે NTA દ્વારા પાંચમી મેએ NEET-UG ૨૦૨૪ની પરીક્ષા લેવામાં આવી હતી અને ૪ જૂને એનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં. 

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2024 09:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK