વિદ્યાર્થીઓના ગેરરીતિના આક્ષેપ બાદ નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગઈ કાલે કોર્ટને કહ્યું કે જે સ્ટુડન્ટ્સને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે એને રદ કરીએ છીએ અને ૧૫૬૩ વિદ્યાર્થીઓ ૨૩ જૂને રીટેસ્ટ આપી શકે છે
ફિઝિક્સવાલાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને NEET-UG સામેના એક અરજદાર અલખ પાંડે ગઈ કાલે સુપ્રીમ કોર્ટની બહાર
જ્યારથી નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET)ની પરીક્ષાનું પરિણામ આવ્યું છે ત્યારથી પરિણામમાં ગેરરીતિનો આરોપ કરી રહેલા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટની મધ્યસ્થી બાદ ગઈ કાલે થોડી રાહત થઈ હતી. કેન્દ્ર સરકારે ગઈ કાલે કોર્ટને કહ્યું હતું કે જે ૧૫૬૩ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે એ રદ કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ ૨૩ જૂને ફરીથી પરીક્ષા આપી શકે છે. જે સ્ટુડન્ટ્સ પાછી પરીક્ષા આપવા માગતા ન હોય એવા વિદ્યાર્થીઓના પરિણામમાંથી ગ્રેસ માર્ક્સ માઇનસ કરી દેવામાં આવશે અને તેમના પરિણામના માર્ક્સ એ મુજબ ગણવામાં આવશે. ૨૩ જૂને જે રીટેસ્ટ લેવામાં આવશે એનું પરિણામ ૩૦ જૂને આવશે.
આખા દેશની NEETની પરીક્ષાનાં સેન્ટરોમાં પરીક્ષા દરમ્યાન જબરદસ્ત ગેરરીતિ આચરવાનો અને અયોગ્ય માર્ક્સ આપવાનો આરોપ થયા બાદ સરકારે આ નિર્ણય ગઈ કાલે લીધો હતો. જોકે એનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ કરેલા આરોપની તપાસ કરવા માટે જે કમિટી બનાવવામાં આવી છે એણે કરેલી ભલામણ મુજબ અમે કોર્ટને અમારો નિર્ણય જણાવ્યો છે.
ADVERTISEMENT
જોકે વિદ્યાર્થીઓને સરકારના આ પગલાથી સંતોષ નથી થયો. તેમનું કહેવું છે કે આ સિવાય પણ અમારી બીજી ફરિયાદો છે જેના વિશે સરકાર તરફથી કંઈ કહેવામાં નથી આવી રહ્યું.
હવે આ કેસની આગામી સુનાવણી ૮ જુલાઈએ છે ત્યારે સુપ્રીમ કોર્ટ આ કેસ સાથે જોડાયેલી તમામ યાચિકા પર સુનાવણી કરશે.
શું છે વિદ્યાર્થીઓની ફરિયાદ?
- કેટલાક સ્ટુડન્ટ્સને વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ૭૨૦માંથી ૭૨૦ માર્ક આવવા મુશ્કેલ છે છતાં એક કોચિંગ સેન્ટરના ૬૭ સ્ટુડન્ટ્સને ૭૨૦ માર્ક મળ્યા છે. એમાં ૬ સ્ટુડન્ટ્સ એક જ પરીક્ષા-સેન્ટરના હતા.
- ગ્રેસ માર્ક કોને આપવામાં આવ્યા એનું લિસ્ટ પણ જાહેર નથી કરવામાં આવ્યું. આ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે અને એમાં સાયન્ટિફિક તથા મેડિકલ જ્ઞાન હોવું આવશ્યક છે. ચીટિંગ કરીને કે ખોટી રીતે માર્ક મેળવવામાં આવે તો એનાથી ડૉક્ટર બનેલા વિદ્યાર્થીઓને લીધે દરદીઓના જીવને જોખમ થઈ શકે છે.
- ક્વેશ્ચન-પેપર લીક થયું હતું એના વિશે સરકાર કેમ કાંઈ નથી બોલતી.
- ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને ૬૫૦થી વધારે માર્ક મળ્યા છે એ કઈ રીતે શક્ય બને, કારણ કે અત્યાર સુધી ૭૦૦૦ વિદ્યાર્થીઓને જ આટલા માર્ક્સ આવતા હતા.
- ૭૨૦માંથી ૭૨૦ માર્ક મેળવનાર વિદ્યાર્થીને પણ દેશની ટોચની મેડિકલ કૉલેજ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં ઍડ્મિશન નહીં મળે, કારણ કે એની ક્ષમતા ૬૪ વિદ્યાર્થીઓને લેવાની છે અને ૬૭ સ્ટુડન્ટ્સને આવ્યા છે ફુલ માર્ક્સ. વિદ્યાર્થીઓને આ બધા કારણસર પરિણામમાં ગરબડ થઈ હોવાનું લાગે છે.
શું છે NEET પરીક્ષા?
મેડિકલ, ડેન્ટલ, આયુષ અને નર્સિંગના ગ્રૅજ્યુએશન કોર્સમાં ઍડ્મિશન માટે NTA (નૅશનલ ટેસ્ટિંગ એજન્સી) દ્વારા પાંચમી મેએ NEET UG 2024 પરીક્ષા લેવામાં આવી હતી અને ૪ જૂને એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
૨૪,૦૦,૦૦૦
આખા દેશમાંથી આટલા વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી.