સ્પીકરે ઇમર્જન્સીની નિંદા કરીને બે મિનિટનું મૌન પાળવાનું કહ્યું એટલે સદનમાં થયો ભારે હોબાળો, લોકસભાની કાર્યવાહી મોકૂફ રહી
ગઈ કાલે અઢારમી લોકસભાના સ્પીકર બન્યા પછી સંબોધન કરતા ઓમ બિરલા
લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા ચૂંટાઈ આવ્યા બાદ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હાથ મિલાવવાની અને સ્માઇલથી એકબીજાનું સ્વાગત કરવાની ઔપચારિકતા થઈ એ પછી બન્ને પક્ષ સામસામા આવી ગયા હતા. નવનિર્વાચિત સ્પીકર ઓમ બિરલાએ ઇમર્જન્સીના કાળા દિવસોનો ઉલ્લેખ કરીને બે મિનિટનું મૌન પાળવાની જાહેરાત કરી એ સાથે જ સદનમાં અરાજકતા વ્યાપી ગઈ હતી.
સ્પીકરપદ સંભાળી લીધા બાદ ઓમ બિરલાએ સદનને સંબોધતાં કહ્યું હતું કે તમામ સભ્યોએ સાથે મળીને રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ, સંસદમાં વિરોધ અને સડક પરના વિરોધમાં તફાવત હોવો જોઈએ.
ADVERTISEMENT
ત્યાર બાદ સ્પીકરે ૧૯૭૫માં લાદવામાં આવેલી ઇમર્જન્સી વિશેનું નિવેદન વાંચી સંભળાવતાં સદનમાં હોબાળો થયો હતો. સ્પીકરે કહ્યું હતું કે ‘એ ભારતના ઇતિહાસનો કાળો અધ્યાય છે. આ સદન ૧૯૭૫માં લાદવામાં આવેલી ઇમર્જન્સીની નિંદા કરે છે. અમે તે તમામ લોકોના નિશ્ચયની પ્રશંસા કરીએ છીએ કે જેમણે ઇમર્જન્સીનો વિરોધ કર્યો, લડ્યા અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી. ૧૯૭૫ની પચીસમી જૂન હંમેશાં ભારતના ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે ઓળખાશે. આ દિવસે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્મિત બંધારણ પર હુમલો કર્યો હતો. ભારત સમગ્ર વિશ્વમાં લોકશાહીની જનની તરીકે ઓળખાય છે. ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરવામાં આવ્યું છે, પણ ઇન્દિરા ગાંધીએ સરમુખત્યારશાહી લાદીને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું દબાવી દીધું હતું.’
ત્યાર બાદ તેમણે સદનના સભ્યોને ઇમર્જન્સીની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે બે મિનિટનું મૌન પાળવા જણાવ્યું હતું અને એના વિરોધમાં વિપક્ષી બૅન્ચો તરફથી હોબાળો થયો હતો અને સદનની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમર્જન્સીની નિંદા કરવા બદલ ઓમ બિરલાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘એ સમયે જે લોકોને તકલીફોનો સામનો કરવો પડ્યો તે લોકોના માનમાં બે મિનિટ મૌન ઊભા રહેવું એ સારી વાત છે. ઇમર્જન્સી ૫૦ વર્ષ પહેલાં લાદવામાં આવી હતી, પણ આજના યુવાનોએ એના વિશે જાણવાની જરૂર છે, કારણ કે જ્યારે બંધારણને કચડી નાખવામાં આવે છે, લોકોના અવાજને દબાવી દેવામાં આવે છે, સંસ્થાઓનો નાશ થાય છે એનું આ યોગ્ય ઉદાહરણ છે.’
કેન્દ્રીય પ્રધાનો સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્યોએ સંસદ ભવન પરિસરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ઇમર્જન્સી લાદવા અને બંધારણનું ઉલ્લંઘન કરવા માટે કૉન્ગ્રેસ પક્ષે માફી માગવી જોઈએ એવી માગણી કરી હતી.
સ્પીકરે ઇમર્જન્સી વિશે બે મિનિટનું મૌન પાળવા કહ્યું એ મુદ્દે કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું હતું કે ‘આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે. સ્પીકરે વિભાજનકારી નિવેદન દ્વારા સર્વસંમતિની ભાવનાને નબળી પાડી છે. ૪૯ વર્ષ પહેલાં બનેલી ઘટનાને આજે યાદ દેવડાવવાની જરૂર નહોતી.’
આશરે ૫૦ વર્ષ બાદ થઈ સ્પીકરની ચૂંટણી
લોકસભાના સ્પીકરપદે ગઈ કાલે BJPના ઓમ બિરલા ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. આશરે ૫૦ વર્ષ બાદ લોકસભાના સ્પીકરપદની ચૂંટણી યોજવામાં આવી હતી અને વૉઇસ વોટથી સ્પીકરની પસંદગી કરવામાં આવી હતી.
અઢારમી લોકસભાના સ્પીકરપદે ચૂંટાઈ આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે હસ્તધૂનન કરીને અભિનંદન આપ્યાં હતાં. એ સમયે રાહુલ ગાંધીએ મોદી સાથે પણ હાથ મિલાવ્યા હતા.
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે સ્પીકરની ચૂંટણીનાં રિઝલ્ટ જાહેર કર્યાં હતાં. કૉન્ગ્રેસના ઉમેદવાર કે. સુરેશે મતવિભાજનની માગણી કરી નહોતી.
ઓમ બિરલા સ્પીકરપદે ચૂંટાયા છે એવી જાહેરાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ બિરલાની બેઠક સુધી ગયા હતા અને તેમને અભિનંદન આપ્યાં હતાં અને સ્પીકરપદની ખુરસી સુધી લઈ ગયા હતા. એ સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ તેમની સાથે જોડાયા હતા.
ઓમ બિરલા વિશે કોણે શું કહ્યું?
તમારી સ્વીટ સ્માઇલ હાઉસને ખુશ રાખશે એવી અપેક્ષા છે : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘તમે બીજી વાર સ્પીકરપદ પર ચૂંટાઈ આવ્યા છો એ ગૌરવની વાત છે. આખા સદન તરફથી હું તમને અભિનંદન આપું છું અને આગામી પાંચ વર્ષ માટે સદન તમારા ગાઇડન્સની અપેક્ષા રાખે છે. તમારી સ્વીટ સ્માઇલ હાઉસને ખુશ રાખશે એવી અપેક્ષા છે.’
મને વિશ્વાસ છે કે તમે વિપક્ષને બોલવાની મંજૂરી આપશો : રાહુલ ગાંધી
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અભિનંદન આપતાં કહ્યું હતું કે ‘હું તમને વિપક્ષના ગઠબંધન તરફથી અભિનંદન આપું છું. તમે લોકોના અવાજના અંતિમ મધ્યસ્થી છો. સરકાર પાસે સત્તા છે, પણ વિપક્ષ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. મને વિશ્વાસ છે કે તમે વિપક્ષને સદનમાં બોલવાની મંજૂરી આપશો.’
રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનનારા ગાંધી પરિવારના ત્રીજા મેમ્બર
રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા છે અને આવું પદ મેળવનારા તેઓ ગાંધી પરિવારના ત્રીજા મેમ્બર છે. આ પહેલાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમ્યાન તેમનાં માતા સોનિયા ગાંધી વિપક્ષનાં નેતા હતાં અને ૧૯૮૯થી ૧૯૯૦ દરમ્યાન તેમના પિતા રાજીવ ગાંધી વિપક્ષના નેતા રહ્યા હતા.

