એનસીઈઆરટીએ ૧૨મા ધોરણની ઇતિહાસની બુકમાંથી ‘મુગલ સામ્રાજ્ય’ વિશેનાં ચૅપ્ટર્સ હટાવ્યાં, એ સિવાય પણ ૧૦મા ધોરણથી લઈને બારમાની ટેક્સ્ટ બુક્સમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
એનસીઈઆરટી (નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ)એ એનાં પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને ૧૨મા ધોરણમાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાંથી મુગલ સામ્રાજ્ય વિશેનાં ચૅપ્ટર્સને હટાવી દેવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં એનસીઈઆરટીને અનુસરતી તમામ સ્કૂલ્સમાં આ ફેરફાર લાગુ પડશે.
૧૨મા ધોરણ માટેના ઇતિહાસના પુસ્તક ‘થીમ્સ ઑફ ઇન્ડિયન હિસ્ટરી-પાર્ટ-2’માંથી ‘કિંગ્ઝ ઍન્ડ ક્રોનિકલ્સઃ ધ મુગલ કોર્ટ્સ (૧૬મી અને ૧૭મી સદી)ને સંબંધિત પ્રકરણોને હટાવી લેવામાં આવ્યાં છે. એ જ રીતે એનસીઈઆરટી હિન્દીની ટેક્સ્ટ બુક્સમાંથી પણ કેટલીક કવિતાઓ અને પૅરેગ્રાફ્ટ્સને હટાવશે. એનસીઈઆરટી અનુસાર આ તમામ ફેરફારો અત્યારના શૈક્ષણિક સેશનથી લાગુ થઈ જશે.
ADVERTISEMENT
હિસ્ટરી અને હિન્દીની ટેક્સ્ટ બુક્સની સાથે ૧૨મા ધોરણમાં સિવિક્સની બુકમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ બુકમાંથી ‘અમેરિકન હેજીમોની ઇન વર્લ્ડ પૉલિટિક્સ’ અને ‘ધ કોલ્ડ વૉર એરા’ નામનાં બે ચૅપ્ટર્સને હટાવવામાં આવ્યાં છે.
એ જ રીતે ધોરણ-૧૨ની ટેક્સ્ટ બુક ‘ઇન્ડિયન પૉલિટિક્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ’માંથી ‘રાઇઝ ઑફ પૉપ્યુલર મૂવમેન્ટ’ અને ‘એરા ઑફ વન પાર્ટી ડોમિનન્સ’ નામનાં બે ચૅપ્ટર્સને હટાવવામાં આવ્યાં છે.
૧૦ અને ૧૧મા ધોરણની ટેક્સ્ટ બુક્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમ કે ધોરણ ૧૦ની બુક ‘ડેમોક્રેટિક પૉલિટિક્સ-2’માંથી ‘ડેમોક્રેસી ઍન્ડ ડાઇવર્સિટી’, ‘પૉપ્યુલર સ્ટ્રગલ્સ ઍન્ડ મૂવમેન્ટ્સ’ અને ‘ચૅલૅન્જિઝ ઑફ ડેમોક્રેસી’ જેવાં ચૅપ્ટર્સને હટાવવામાં આવ્યાં છે.
ધોરણ-૧૧ની ટેક્સ્ટ બુક ‘થીમ્સ ઇન વર્લ્ડ હિસ્ટરી’માંથી ‘સેન્ટ્રલ ઇસ્લામિક લૅન્ડ્સ’, ‘ક્લૅશ ઑફ કલ્ચર્સ’ અને ‘ઇન્ડસ્ટ્રિયલ રિવૉલ્યુશન’ જેવાં ચૅપ્ટર્સને પડતાં મૂકવામાં આવ્યાં છે.