૫૦,૦૦૦ લોકોની જનમેદનીની હાજરીમાં નાયબ સિંહ સૈની બીજી વાર બન્યા મુખ્ય પ્રધાન
ગઈ કાલે શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વંદન કરતા મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની
હરિયાણાના મુખ્ય પ્રધાનપદે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નાયબ સિંહ સૈનીએ ગઈ કાલે બીજી વાર શપથ લીધા હતા. તેમની સાથે બીજા તેર પ્રધાનોએ પણ શપથગ્રહણ કર્યા હતા જેમાં અનિલ વિજ, શ્રુતિ ચૌધરી, શ્યામ સિંહ રાણા જેવાં નેતાઓનો સમાવેશ છે. ગઈ કાલે હરિયાણાના પંચકૂલામાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, BJP અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત BJP અને નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના ટોચના નેતા હાજર રહ્યા હતા. પચાસ હજારની જનમેદનીની હાજરીમાં નાયબ સિંહ સૈની હરિયાણાના ૧૯મા મુખ્ય પ્રધાન બન્યા હતા.
નાયબ સિંહ સૈનીની સરકારમાં જાતિઓના ગણિતને ધ્યાનમાં રાખીને પ્રધાનપદ આપવામાં આવ્યાં છે. નાયબ સિંહ સૈની સહિત જે તેર પ્રધાન બનાવવામાં આવ્યા છે એમાં બે OBC, એક પંજાબી, બે અનુસૂચિત જાતિ, બે જાટ, બે યાદવ, બે બ્રાહ્મણ, એક રાજપૂત, એક ગુર્જર અને એક વૈશ્યના નેતાનો સમાવેશ છે.