પત્ની સાથેનો સેલ્ફી તેના મોતનું કારણ બન્યો, અમિત શાહે કહ્યું કે નક્સલવાદ એના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે
ક્સલવાદી ચલપતિ ઉર્ફે અપ્પા રાવ
છત્તીસગઢનાં જંગલોમાં ગરિયાબંદ જિલ્લામાં સોમવારે રાત્રે સિક્યૉરિટી ફોર્સિસના જવાનો સાથેના એન્કાઉન્ટરમાં ટોચનો નક્સલવાદી ચલપતિ ઉર્ફે અપ્પા રાવ ઠાર થયો હતો. તેના માથા પર પોલીસે એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ ઑપરેશન બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે નક્સલવાદ એના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. તેમની પોસ્ટમાં ચલપતિનું નામ નથી, પણ કહેવામાં આવ્યું છે કે આ ઑપરેશનમાં ૧૪ નક્સલવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે.
કોણ હતો ચલપતિ?
ચલપતિ કોઈ એક નામ નહોતું, તેને રામાચન્દ્રા રેડ્ડી ઉર્ફે અપ્પારાવ ઉર્ફે જયરામ ઉર્ફે રામુ ઉર્ફે પ્રતાપ રેડ્ડી એવાં અનેક નામથી લોકો જાણતા હતા. ૬૦ વર્ષનો ચલપતિ મુખ્ય માઓવાદી નેતા હતો જે છત્તીસગઢના બસ્તરના ગાઢ જંગલ ધરાવતા અબુઝમાડ વિસ્તારમાં નક્સલવાદી પ્રવૃતિઓ ચલાવતો હતો. મૂળ આંધ્ર પ્રદેશના ચિન્તૂરના માટેમપૈપલ્લી ગામમાં જન્મેલા ચલપતિએ દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો પણ તે માઓવાદી ગ્રુપમાં ટોચના સ્થાને પહોંચ્યો હતો. ગયાં ૩૦ વર્ષમાં તેણે આંધ્ર પ્રદેશ, તેલંગણ અને છત્તીસગઢના બૉર્ડર વિસ્તારોમાં ઘણા હુમલાનું નેતૃત્વ કર્યું હતું. લાંબા સમયથી તે અન્ડરગ્રાઉન્ડ રહેતો હતો. અબુઝમાડ વિસ્તારમાં સિક્યૉરિટી ફોર્સની વધતી જતી પ્રવૃતિથી તેણે તેનું સ્થાન બદલ્યું હતું. તે એટલો શક્તિશાળી નેતા હતો કે તેની સુરક્ષામાં આઠથી દસ માઓવાદી લડવૈયા કાયમ રહેતા હતા.
ADVERTISEMENT
સેલ્ફીએ પોલીસને તેના સુધી પહોંચાડ્યો
સુરક્ષા દળો અનેક વર્ષોથી ચલપતિને શોધતા હતા પણ તે ઝડપાતો નહોતો. તેના ફોટોગ્રાફ પણ પોલીસ પાસે નહોતા. જોકે ૨૦૧૬માં વિશાખાપટ્ટનમમાં એક મૃત માઓવાદીના લૅપટૉપમાંથી પોલીસને ચલપતિ અને તેની પત્ની અરુણાનો સેલ્ફી મળી આવ્યો હતો. એમાં બેઉના ચહેરા એકદમ સાફ દેખાતા હતા. આ સેલ્ફી કોઈ સ્માર્ટફોનથી લેવામાં આવ્યો હતો. આ સેલ્ફીના ફોટોગ્રાફ પોલીસ અને પબ્લિકમાં વિતરિત કરવામાં આવ્યા હતા. તેની પત્નીના નામે પણ પાંચ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.