સિધુએ કહ્યું હતું કે લીંબુપાણી, હળદર અને લીમડાથી પત્નીનું ચોથા સ્ટેજનું કૅન્સર મટી ગયું
નવજોત સિંહ સિધુ
પત્ની નવજોત કૌરનું ચોથા સ્ટેજનું કૅન્સર આયુર્વેદિક દવાઓથી મટી ગયું હોવાનો દાવો કર્યા બાદ ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધુ ભારે કાનૂની દાવપેચમાં ફસાયો છે. સિધુએ પ્રેસ-કૉન્ફરન્સમાં ડાયટ અને લાઇફસ્ટાઇલમાં બદલાવથી કૅન્સર મટાડી દીધાનો દાવો કર્યો હતો. તાતા મેમોરિયલ હૉસ્પિટલે આ દાવાને ફગાવી દીધો છે અને લોકોને આવું ન કરવાની સલાહ આપી છે ત્યારે હવે છત્તીસગઢની સિવિલ સોસાયટીએ સિધુ પાસે આ માટેના પુરાવા માગ્યા છે અને એ પુરવાર ન કરે તો ૮૫૦ કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલી છે.
આ સોસાયટીના કન્વીનર ડૉ. કુલદીપ સોલંકીએ કહ્યું હતું કે ‘નવજોત સિધુએ ૪૦ દિવસમાં ચોથા સ્ટેજના કૅન્સરને આયુર્વેદિક દવાઓથી મટાડી દેવાના કરેલા દાવાથી દેશ-વિદેશના કૅન્સરના દરદીઓમાં ભ્રમ ફેલાયો છે અને ઍલોપથી દવાઓમાંથી તેમનો વિશ્વાસ ઊઠી ગયો છે. સિધુએ આ નોટિસ મળ્યાના સાત દિવસમાં તેની પાસે રહેલા દસ્તાવેજો રજૂ કરવા પડશે અથવા માફી માગવી પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે ૧૦૦ મિલ્યન ડૉલર (આશરે ૮૫૦ કરોડ રૂપિયા)નો દાવો માંડવામાં આવશે.’
ADVERTISEMENT
તાતા હૉસ્પિટલે શું કહ્યું હતું?
નવજોત સિંહ સિધુના દાવા બાદ તાતા મેમોરિયલ હૉસ્પિટલે ઍડ્વાઇઝરી જાહેર કરીને કહ્યું હતું કે ‘હળદર, લીમડો અને ડાયટમાં બદલાવથી કૅન્સરની સારવાર શક્ય નથી. આવા દાવાને સમર્થન આપતો કોઈ વૈજ્ઞાનિક ડેટા ઉપલબ્ધ નથી. કૅન્સર થાય ત્યારે ઍલોપથી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.’