નાકમાં માત્ર બે ટીપાં નાખવાથી કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ મળે છે, વિશ્વની પહેલી આ પ્રકારની કોવિડ વૅક્સિન
પ્રતીકાત્મક તસવીર
દેશમાં કોરોના વાઇરસ સામેની લડતમાં ભારતને વધુ એક મહત્ત્વનું હથિયાર મળ્યું છે. ચીનમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે ભારત બાયોટેકને ઇન્ટ્રાનેસલ વૅક્સિનને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. ભારત બોયોટેકની ઇન્ટ્રાનેસલ કોવિડ વૅક્સિનને હેલ્થ મિનિસ્ટ્રીએ ૧૮ વર્ષ કરતાં વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર-વૅક્સિન તરીકે સમાવેશ કરવાની મંજૂરી આપી દીધી છે. સોય વગરની વૅક્સિન પ્રાઇવેટ સેન્ટર પર મળશે. આ વૅક્સિનનો ગઈ કાલથી રસીકરણ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો હશે. કોવૅક્સિન અને કોવિશીલ્ડ લઈ ચૂકેલા પણ આ વૅક્સિનને લઈ શકે છે.
ચીન અને કેટલાક અન્ય દેશોમાં કોરોનાના કેસમાં વધારા વચ્ચે આ નેસલ વૅક્સિનને મંજૂરી મળી છે. નાકમાં માત્ર બે ટીપાં નાખવાથી કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ મળે છે. ૨૮ નવેમ્બરના રોજ ભારત બાયોટેક ઇન્ટરનૅશનલ લિમિટેડે ઘોષણા કરી હતી કે નાક દ્વારા આપવામાં આવનારી વિશ્વની પહેલી કોવિડ વૅક્સિન બની ગઈ છે.
ADVERTISEMENT
મંગળવારે આખા દેશમાં મૉક-ડ્રિલ
આવતા મંગળવારે સમગ્ર દેશમાં કોરોના ફાટી નીકળે એવા સંજોગમાં કેવી તૈયારી છે એ ચકાસવા એક મૉક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઑક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, લૉજિસ્ટિક જેવી બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. ગઈ કાલે દરેક રાજ્યોના હેલ્થ મિનિસ્ટરો સાથેની બેઠકમાં કેન્દ્રીય આરોગ્યપ્રધાન દ્વારા જરૂરી ઍડ્વાઇઝરી આપવામાં આવી હતી. દરેક રાજ્યને કોરાના વાઇરસની ચકાસણી પર ભાર મૂકવા જણાવવામાં આવ્યું હતું. વળી આગામી તહેવારોની સીઝન જોતાં વિશેષ કાળજી રાખવા જણાવાયું હતું.
ક્યાં મળશે આ વૅક્સિન?
નેસલ વૅક્સિન ૧૮ વર્ષથી વધુ વયના લોકો બૂસ્ટર ડોઝ તરીકે લઈ શકે છે. ગઈ કાલથી આ વૅક્સિન ભારત સરકારના પોર્ટલ કો-વિનમાં સામેલ કરવામાં આવી છે. હાલમાં વિવિધ પ્રાઇવેટ હૉસ્પિટલમાં આ વૅક્સિન મળશે એવું જણાવવામાં આવ્યું છે.