ચૂંટણીપ્રચાર પૂરો થયા પછી ૩૦ મેથી ૧ જૂન સુધી આધ્યાત્મિક એકાંતવાસ પાળશે વડા પ્રધાન
૨૦૧૯માં ચૂંટણીપ્રચાર પૂરો થયા પછી કેદારનાથ ધામ નજીકની ગુફામાં જઈને ધ્યાન ધર્યું હતું નરેન્દ્ર મોદીએ
લોકસભાની ચૂંટણીમાં સાતમા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂરો થયા બાદ ૩૦ મેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુના કન્યાકુમારીની આધ્યાત્મિક યાત્રા પર જશે અને ત્યાં તેઓ ત્રણ દિવસ એટલે ૧ જૂન સુધી રોકાશે. વડા પ્રધાન કન્યાકુમારીમાં આવેલા સ્વામી વિવેકાનંદ રૉક મેમોરિયલની મુલાકાત લેશે અને જ્યાં સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ ધ્યાન કર્યું હતું એ સ્થળે તેઓ ૩૦ મેની સાંજથી ૧ જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. ૧ જૂને દેશમાં મોદીના મતદારસંઘ વારાણસી સહિત ૫૭ બેઠકો પર મતદાન થવાનું છે. ૩૦ મેએ મોદી પંજાબમાં ચૂંટણી પ્રચારસભાને સંબોધીને તામિલનાડુ જવા રવાના થશે.
સ્વામી વિવેકાનંદના જીવનમાં કન્યાકુમારીનું અનેરું મહત્ત્વ છે. અહીં હિન્દી મહાસાગર, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના મીટિંગ પૉઇન્ટ પર આવેલો રૉક સ્વામી વિવેકાનંદના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. સ્વામી વિવેકાનંદ આખા દેશનું ભ્રમણ કરીને કન્યાકુમારી પહોંચ્યા હતા અને ત્રણ દિવસ તપસ્યા કરી હતી. તેમણે અહીં ભારત માતાનું વિઝન જોયું હતું.
ADVERTISEMENT
લોકોનું માનવું છે કે જેમ સારનાથનું ભગવાન ગૌતમ બુદ્ધના જીવનમાં મહત્ત્વનું સ્થાન છે એમ આ રૉકનું પણ સ્વામી વિવેકાનંદના જીવનમાં એવું જ મહત્વ છે. માતા પાર્વતીએ કન્યાકુમારીમાં અહીં એક પગ પર ઊભા રહીને ભગવાન શિવ માટે તપ કર્યું હતું.
મોદી પણ એ જ સ્થળે ધ્યાન કરવાના છે. તેમણે પણ સ્વામી વિવેકાનંદના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે દિવસે તેમના મતદારસંઘ વારાણસીમાં મતદાન થતું હશે એ દિવસે મોદી કન્યાકુમારીમાં જ રહેશે.
વડા પ્રધાન ચૂંટણી પ્રચાર પૂરો કર્યા બાદ આધ્યાત્મિક પ્રવાસ કરતા હોય છે. ૨૦૧૯માં તેઓ કેદારનાથ ગયા હતા અને ૧૧,૭૦૦ ફીટ ઊંચાઈ પર આવેલી એક ગુફામાં ધ્યાન કર્યું હતું. કેદારનાથ મંદિરથી એક કિલોમીટર દૂર આવેલી આ ગુફા ત્યાર બાદ ઘણી પૉપ્યુલર થઈ હતી.