વિરોધ પક્ષના નેતાને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા હોવાથી કૉન્ગ્રેસે કહ્યું કે આ તો દેશના લોકોનું અપમાન છે
ગઈ કાલે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
દેશના ૭૮મા સ્વાતંયદિને લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઑગસ્ટના અત્યાર સુધીના સૌથી લાંબા, ૯૮ મિનિટના ભાષણમાં સ્પષ્ટ કરી દીધું હતું કે જો લોકો એવું માનતા હોય કે લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ તેમની સરકાર ધીમી પડી ગઈ છે અને હવે એ કોઈ પણ વિવાદિત મુદ્દાને હાથ નહીં લગાવે તો એ વાતમાં જરાય દમ નથી. નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં સેક્યુલર સિવિલ કોડ; રીફૉર્મ્સ; બંગલાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલા; વન નેશન, વન ઇલેક્શનને લઈને સરકારનું સ્ટૅન્ડ સ્પષ્ટ કર્યું હતું અને બીજી પૉલિટિકલ પાર્ટીઓને પણ સહકાર આપવા કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચના મહત્ત્વના મુદ્દાઓ...
ADVERTISEMENT
વિકસિત ભારત ૨૦૪૭
ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે દેશવાસીઓનાં ઘણાં સૂચનો આવ્યાં છે જેમાં દેશને મૅન્યુફૅક્ચરિંગ હબ બનાવવાથી લઈને નવાં સ્ટાર્ટઅપ્સને પૈસાની વ્યવસ્થા કરી આપવાનો સમાવેશ છે. આ સિવાય ગવર્નન્સને પ્રાધાન્ય આપવાનાં, ન્યાયિક સુધારા કરવાનાં, પરંપરાગત દવાઓને પ્રોત્સાહન આપવાનાં પણ સજેશન
આવ્યાં છે.
મહિલાઓ પર થતા અત્યાચાર
હવે સમય આવી ગયો છે કે આપણે મહિલાઓ સામે થતા અત્યાચાર માટે કરવામાં આવતી સજાને દરેકેદરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ જેથી આવાં કુકર્મ કરનારાઓને સજાનો ડર રહે. દેશમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે લોકોના આક્રોશને હું અનુભવી શકું છું. (કલકત્તામાં મેડિકલ સ્ટુડન્ટ પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં ચાલી રહેલા વ્યાપક વિરોધને ઘ્યાનમાં રાખીને વડા પ્રધાને આ કહ્યું હતું.)
સેક્યુલર સિવિલ કોડ
હું માનું છું કે આપણે દેશમાં નાગરિક સંહિતાની ચર્ચા કરવી જોઈએ. ભેદભાવવાળા કાયદાઓ રદ કરીને આપણે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા લાગુ કરવી જોઈએ. સમય આવી ગયો છે કે આપણે અત્યારની સાંપ્રદાયિક નાગરિક સંહિતામાંથી બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની દિશામાં આગળ વધીએ.
બંગલાદેશને લઈને ચિંતા
બંગલાદેશમાં હિન્દુ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા ચિંતાનો વિષય છે, પણ મને આશા છે કે બંગલાદેશની સ્થિતિ ટૂંક સમયમાં સુધરશે. ભારત હંમેશાં બંગલાદેશના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં સહકાર આપશે.
વન નેશન, વન ઇલેક્શન
લાલ કિલ્લા પરથી હું તમામ રાજકીય પક્ષોને વન નેશન, વન ઇલેક્શનના વિચારને સમર્થન આપવાની વિનંતી કરું છું. આ પહેલ માટે આખા દેશે એક થવું બહુ જ જરૂરી છે. અત્યારે સરકારની દરેક સ્કીમ કે પહેલ ઇલેક્શનથી પ્રભાવિત હોવાની માન્યતા હોવાથી એ પણ દૂર થવી જરૂરી છે.
સુધારાઓ પ્રત્યે કટિબદ્ધતા
અમારી સરકાર દેશની પ્રગતિ માટે જરૂરી સુધારાઓ કરવા પ્રતિબદ્ધ છે, કારણ કે એ રાષ્ટ્રના પાયાને મજબૂત કરવા માટે જરૂરી છે. અમે બૅન્કિંગ ક્ષેત્રે કરેલાં રીફૉર્મ્સને લીધે ભારતની બૅન્કોનું હવે વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત બૅન્કોમાં સ્થાન છે. અમે પસંદ કરેલો રીફૉર્મ્સનો આ માર્ગ દેશના વિકાસ માટે બ્લુપ્રિન્ટ બની ગયો છે.
સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સનું મહત્ત્વ
આપણા દેશ માટે સ્પેસ સેક્ટર બહુ જ મહત્ત્વનું હોવાથી એમાં સુધારો કરવા માટે ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. અત્યારે ઘણાં સ્ટાર્ટઅપ્સ આ ક્ષેત્રમાં એન્ટર થઈ રહ્યાં છે. ભારતને પાવરફુલ દેશ બનાવવા માટે આ સેક્ટરને આગળ વધારવું અત્યંત આવશ્યક હોવાથી એના પર ફોકસ કરીને લાંબા ગાળાના વિચાર સાથે એને મજબૂતી આપી રહ્યા છીએ.
એજ્યુકેશન ક્ષેત્રે ક્રાન્તિ
અમારી સરકારનું ધ્યેય એવી એજ્યુકેશન સિસ્ટમ વિકસાવવાનું છે જેમાં યંગ સ્ટુડન્ટ્સને ભણવા માટે ભારતની બહાર જવાની જરૂર ન પડે. અમારો તો ટાર્ગેટ એવો છે કે વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે. વધતી ડિમાન્ડને પહોંચી વળવા માટે આગામી પાંચ વર્ષમાં દેશમાં મેડિકલ કૉલેજોમાં નવી ૭૫,૦૦૦ બેઠકો વધારવાની અમારી યોજના છે.
સરકારની સિદ્ધિઓ
દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું અમારું જલ જીવન મિશન અત્યારે ૧૫ કરોડ લાભાર્થીઓ સુધી પહોંચી ગયું છે. મિલેટ્સના વૈશ્વિક પ્રમોશન બાદ લોકો હવે ‘શ્રી અન્ન’ નામના આ સુપરફૂડને દુનિયાના દરેક ડાઇનિંગ ટેબલ સુધી પહોંચાડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા
આપણા જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર સ્ટ્રાઇક કરી હતી ત્યારે આખા દેશે ગર્વનો અનુભવ કર્યો હતો. અગાઉ પણ લોકો સરકારો પાસેથી આવું પરિવર્તન ઇચ્છતા હતા, પરંતુ તેમની આકાંક્ષાઓ પર ધ્યાન આપવામાં નહોતું આવતું. અમારે એના માટે રીફૉર્મ્સ કરવાં પડ્યાં છે.
ક્લાઇમેટ ચેન્જની લીડરશિપ
G20 દેશોમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે ૨૦૧૫ પૅરિસ ઍગ્રીમેન્ટ હેઠળના એના ક્લાઇમેટના ટાર્ગેટને નિર્ધારિત સમય પહેલાં પૂરો કર્યો છે. હું વિશ્વને મારા દેશના લોકોની તાકાતથી વાકેફ કરાવવા માગું છું. મારા દેશના લોકોએ એ હાંસલ કર્યું છે જે G20ના બીજા એક પણ દેશે નથી કર્યું અને આ વાતનો અમને ગર્વ છે.
સમારોહમાં રાહુલ ગાંધીની બેઠક બાબતે વિવાદ
વિરોધ પક્ષના નેતાને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા હોવાથી કૉન્ગ્રેસે કહ્યું કે આ તો દેશના લોકોનું અપમાન છે, જ્યારે આ કાર્યક્રમનું સંચાલન કરતી ડિફેન્સ મિનિસ્ટ્રીએ સ્પષ્ટતા કરી કે ઑલિમ્પિક્સના વિજેતાઓને માન આપવા માટે આગળ બેસાડવામાં આવ્યા હોવાથી આવું થયું
વિરોધ પક્ષના નેતા તરીકે ગઈ કાલે દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ માટે હાજર રહેલા રાહુલ ગાંધીને સેકન્ડ-લાસ્ટ એટલે કે પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા હોવાથી એને લઈને કૉન્ગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કૉન્ગ્રેસના નેતાઓ અને સપોર્ટરોએ સોશ્યલ મીડિયા પર આનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ડિફેન્સ મિનિસ્ટ્રી કરતી હોવાથી એણે સ્પષ્ટતા કર્યા બાદ પણ સોશ્યલ મીડિયા પર વિરોધ ઓછો નહોતો થયો.
પ્રોટોકૉલ મુજબ વિરોધ પક્ષના નેતા કૅબિનેટ મિનિસ્ટરનો રૅન્ક ધરાવતા હોવાથી તેમને પહેલી હરોળમાં બેસાડવામાં આવે છે. જોકે આ વખતે ઑલિમ્પિક્સના વિજેતાઓને માન આપવા માટે આગળ બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું હોવાથી અમુક કેન્દ્રીય પ્રધાનોને પણ મેડલવિજેતાઓની પાછળ બેસાડવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા ડિફેન્સ મિનિસ્ટ્રીએ કરી હતી.
આમ છતાં કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘ઑલિમ્પિક્સના વિજેતાઓને માન મળવું જ જોઈએ, પણ મને એ નથી સમજાતું કે કૅબિનેટ મિનિસ્ટર અમિત શાહ અને નિર્મલા સીતારમણને આપણા વિજેતાઓથી આગળ પહેલી હરોળમાં શું કામ સ્થાન મળ્યું? સામાન્ય પ્રોટોકૉલ મુજબ બન્ને ગૃહના વિરોધ પક્ષના નેતાને પહેલી હરોળમાં જગ્યા આપવાની હોય, પણ તેમને પાંચમી રોમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું. આ વિરોધ પક્ષના નેતા કે રાહુલ ગાંધીનું અપમાન નથી, આ તો દેશના લોકોનું અપમાન છે જેમના માટે રાહુલજી સંસદભવનમાં અવાજ ઉઠાવે છે.’ રાહુલ ગાંધીની આગળની હરોળમાં શૂટર મનુ ભાકર, સરબજોત સિંહ, હૉકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ, ગોલકીપર પી.આર. શ્રીજેશને બેસાડવામાં આવ્યા હતા. ગઈ કાલે ૧૦ વર્ષ બાદ સ્વાતંયદિને ઝંડાવંદન માટે વિરોધ પક્ષના નેતા હાજર રહ્યા હતા.
લૉન્ગેસ્ટ અને શૉર્ટેસ્ટ સ્પીચ : મોદીની ૯૮ મિનિટની, નેહરુ-ઇન્દિરાની ૧૪ મિનિટની
નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ૯૮ મિનિટનું ભાષણ કરીને પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦૧૬માં વડા પ્રધાને ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી ૯૬ મિનિટનું ભાષણ કર્યું હતું એ રેકૉર્ડ હવે તૂટી ગયો છે. નરેન્દ્ર મોદી પહેલાં સ્વાતંયદિને સૌથી લાંબું ભાષણ આપવાનો રેકૉર્ડ આઇ. કે. ગુજરાલના નામે હતો. તેમણે ૧૯૯૭માં ૭૧ મિનિટની સ્પીચ આપી હતી. એની સામે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૫૪માં અને તેમનાં દીકરી ઇન્દિરા ગાંધીએ ૧૯૬૬માં કરેલું માત્ર ૧૪ મિનિટનું ભાષણ ૧૫ ઑગસ્ટનું અત્યાર સુધીનું સૌથી ટૂંકું ભાષણ છે.