ઘરની બહાર તિરંગો લહેરાવીને એનો સેલ્ફી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશના લોકોને ‘હર ઘર તિરંગા અભિયાન’માં સામેલ થવાનો અનુરોધ કર્યો હતો. આ અભિયાનની મહત્તા પર ભાર મૂકતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ૧૫મી ઑગસ્ટ દૂર નથી, આપણે ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કર્યું છે. દેશમાં ગરીબ કે અમીર, નાનાં ઘર કે મોટાં ઘર, દરેક સ્થળે લોકો તિરંગો લહેરાવે છે.
ઘરની બહાર તિરંગો લહેરાવીને એનો સેલ્ફી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, એ મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે એક ઘર કે સોસાયટીની બહાર તિરંગો લહેરાવવાની શરૂઆત થાય એટલે બીજા લોકો પણ એમાં સામેલ થાય છે અને દરેક જણ હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થઈ જાય છે. આ અભિયાનમાં લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે તેમણે તિરંગા સાથેના સેલ્ફીને harghartiranga.com પર અપલોડ કરવા જણાવ્યું હતું. આવનારા સ્વતંત્રતા પર્વ ૧૫મી ઑગસ્ટે લાલ કિલ્લા પરથી થનારા વડા પ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન માટે પણ નરેન્દ્ર મોદીએ લોકોને તેમનાં સૂચનો MyGov અથવા NaMo ઍપ પર ૧૫મી ઑગસ્ટ પહેલાં મોકલવા જણાવ્યું હતું.