એશિયાના સૌથી ધનિક માણસ તરીકે ગૌતમ અદાણીથી ફરી આગળ નીકળ્યા
મુકેશ અંબાણી
નવી દિલ્હી : બ્લૂમબર્ગ અબજોપતિ ઇન્ડેક્સ પર તેરમા સ્થાને આવી ગયેલા મુકેશ અંબાણી શુક્રવારે ફરી એક વખત ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ૨૪ કલાકમાં તેમની ચોખ્ખી અસ્કયામતોમાં લગભગ ૩ અબજ ડૉલરનો ઉમેરો થયો છે.
બુધવારે ૨.૭૦ ટકા, ગુરુવારે ૨.૬૩ ટકા અને શુક્રવારે ૦.૮૦ ટકાની વૃદ્ધિ નોંધાવી રિલાયન્સ છેલ્લે ૨૭૪૧ રૂપિયા રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીનો ૪૨ ટકા હિસ્સો છે, પરિણામે શૅરના ભાવમાં વધારો થયા પછી તેમની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT
એક અઠવાડિયા પહેલાં અંબાણી ૯૬ અબજ ડૉલરની સંપત્તિ સાથે બ્લૂમબર્ગ ઇન્ડેક્સ પર ગૌતમ અદાણી (સંપત્તિ ૯૬.૭ અબજ ડૉલર)થી પાછળ હતા. અંબાણી સહિત વિશ્વભરમાં ફક્ત બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ અને જેફ બેઝોસ સહિતના ૧૨ ધનાઢ્યો જ ૧૦૦ અબજ ડૉલર ક્લબનો ભાગ છે. ઇલૉન મસ્ક, વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ, ૨૦૦ અબજ ડૉલરથી વધુની સંપત્તિ ધરાવતા એકમાત્ર બિલ્યનેર છે.
ભારતીય શૅરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરના ભાવમાં એક સપ્તાહમાં પાંચ ટકાનો ઉછાળો આવ્યો છે. ગયા મહિનાની સરખામણીએ શૅરમાં ૧૨ ટકાનો જંગી વધારો થયો છે.
શુક્રવારે રિલાયન્સનું માર્કેટ કૅપિટલાઇઝેશન સાડાઅઢાર લાખ કરોડ વટાવી ગયું હતું, જેના કારણે અંબાણીએ વૈશ્વિક ૧૦૦ અબજની બિલ્યનેર ક્લબમાં સ્થાન મેળવ્યું હતું. માત્ર આરઆઇએલ જ નહીં, પરંતુ ૨૫૫ રૂપિયા બંધ આવેલી જિયો ફાઇનૅન્શિયલ સર્વિસિસ (જેએફએસએલ)એ પણ મુકેશ અંબાણીની સંપત્તિના વધારામાં ફાળો આપ્યો છે.

