ચોમાસુ સત્રની ૨૦ જુલાઈથી શરૂઆત થશે અને ૧૧ ઑગસ્ટ સુધી ચાલશે
ફાઇલ તસવીર
સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ ગઈ કાલે જણાવ્યું હતું કે સંસદના ચોમાસુ સત્રની ૨૦ જુલાઈથી શરૂઆત થશે અને ૧૧ ઑગસ્ટ સુધી ચાલશે. આ જાહેરાત કરતાં સમયે તેમણે પૉલિટિકલ પાર્ટીઓને આ સેશન દરમ્યાન ઉપયોગી ચર્ચાઓમાં રચનાત્મક યોગદાન આપવાની અપીલ કરી હતી. આ સેશનમાં વિપક્ષો જુદા-જુદા મુદ્દે જબરદસ્ત હંગામો મચાવે એવી શક્યતા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપીની વિરુદ્ધ અનેક વિપક્ષો એક મંચ પર આવ્યા છે ત્યારે તેઓ એકસૂરે સરકારનો વિરોધ કરે એવી શક્યતા છે.
વળી, વડા પ્રધાને યુનિફૉર્મ સિવિલ કોડના અમલ પર ખૂબ જ ભાર મૂક્યો અને સાથે જ આ મુદ્દે વ્યાપક ચર્ચાવિચારણા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સંસદનું આ સેશન શરૂ થવા જઈ રહ્યું છે. નોંધપાત્ર છે કે અનેક પૉલિટિકલ પાર્ટીઓ યુનિફૉર્મ સિવિલ કોડનો વિરોધ કરી રહી છે.
ADVERTISEMENT
આ સેશન જૂના સંસદભવનમાં જ શરૂ થશે અને બાદમાં નવા બિલ્ડિંગમાં શિફ્ટ થશે, એમ જણાવવામાં આવી રહ્યું છે. નવા બિલ્ડિંગનું પીએમ મોદી દ્વારા ૨૮ મેએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોશી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ૨૩ દિવસ સુધી ચાલનારા આ સેશનમાં કુલ ૧૭ બેઠકો રહેશે.
વિપક્ષો યુનિફૉર્મ સિવિલ કોડ અને મણિપુરના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાની પૂરેપૂરી કોશિશ કરશે.