માઇક્રોન ટેક્નૉલૉજીઝ ઇન્ક ઇન્ડિયામાં એક સેમિકન્ડક્ટર પૅકેજિંગ ફૅક્ટરી શરૂ કરવા માટે ઓછામાં ઓછા ૮૧.૯૨ અબજ રૂપિયાનું રોકાણ કરશે, પીએમ વૉશિંગ્ટનમાં ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓને મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)
વૉશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયામાં અમેરિકા જઈ રહ્યા છે ત્યારે જુદાં-જુદાં ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે આ યાત્રા દરમ્યાન અનેક પહેલ કરવામાં આવશે. નોંધપાત્ર છે કે માઇક્રોન ટેક્નૉલૉજીઝ ઇન્ક ઇન્ડિયામાં એક સેમિકન્ડક્ટર પૅકેજિંગ ફૅક્ટરી શરૂ કરવા માટે ઓછામાં ઓછા એક અબજ ડૉલર (૮૧.૯૨ અબજ રૂપિયા)નું રોકાણ કરશે. એક રિપોર્ટ અનુસાર ચીન અને અમેરિકા વચ્ચેના તનાવને કારણે આ કંપની બીજા દેશોમાં પણ ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. સોર્સિસ અનુસાર આ કંપની બે અબજ ડૉલર (૧૬૩.૮૫ અબજ રૂપિયા) સુધીનું પણ રોકાણ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણથી ૨૧થી ૨૪મી જૂને અમેરિકા જશે. ભારત અને અમેરિકા વચ્ચે કૉર્પોરેટની દુનિયામાં સંબંધો મજબૂત કરવા માટે વડા પ્રધાન ફેડએક્સ, માસ્ટરકાર્ડ અને અડોબ સહિતની ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓને મળશે. સોર્સિસ અનુસાર ૨૩મી જૂને વૉશિંગ્ટનના જૉન એફ. કૅનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાનારી આ ઇવેન્ટમાં ૧૨૦૦થી વધુ બિઝનેસ લીડર્સ હાજર રહેશે.
બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને ગ્રીન કાર્ડ માટે ધોરણ હળવાં કર્યાં
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની વિઝિટના થોડા દિવસ પહેલાં બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે ગ્રીન કાર્ડની રાહ જોનાર વ્યક્તિઓ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા પર પૉલિસી ગાઇડન્સ રિલીઝ કરીને ધારાધોરણ હળવાં કર્યાં છે. અમેરિકન સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા અનિવાર્ય પરિસ્થિતિમાં ઈએડી (એમ્પ્લૉયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ) માટે નવી અને રિન્યુ કરવા માટેની ઍપ્લિકેશન્સ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયાના સંબંધે ઇશ્યુ કરવામાં આવેલી નવી ગાઇડલાઇનથી હજારો ઇન્ડિયન ટેક્નૉલૉજી પ્રોફેશનલ્સને લાભ થશે જેઓ ગ્રીન કાર્ડ માટે ખૂબ રાહ જોઈ રહ્યા છે. હવે અમેરિકન સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ અરજીકર્તા માટે અનિવાર્ય પરિસ્થિતિ છે કે નહીં એ નક્કી કરવા માટે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરશે.
ભારતમાં વિઝા ઍપ્લિકેશન્સની પ્રોસેસિંગને પ્રાયોરિટી
અમેરિકાની કૉન્સ્યુલર ટીમ્સ ભારતમાં શક્ય એટલી વધુ વિઝા ઍપ્લિકેશન્સની પ્રોસેસિંગ કરવા માટે ખૂબ જ કોશિશ કરી રહી છે. અમેરિકાના વિદેશવિભાગના પ્રવક્તા મૅથ્યુ મિલરે ગુરુવારે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અમેરિકન સરકાર માટે એ ટોચની પ્રાથમિકતા છે. નોંધપાત્ર છે કે ભારતીય એપ્લિકન્ટ્સ માટે વિઝા વેઇટિંગ સમયગાળો અન્ય દેશોની સરખામણીમાં વધારે છે ત્યારે ભારત સરકારે અમેરિકા સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)