ચિરંજીવી છેલ્લાં ૧૫ વર્ષથી તેનાલીમાં પાણીપૂરી વેચે છે
મેગવર્થ ચિરંજીવી
આંધ્ર પ્રદેશના ગુન્ટુર જિલ્લાના તેનાલીમાં છેલ્લાં ૧૫ વર્ષથી પાણીપૂરી વેચવાનો વ્યવસાય કરતા ૫૦ વર્ષના મેગવર્થ ચિરંજીવીને સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા વિશેષ ઍટ-હોમ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ મળ્યું છે અને તે આ સમારોહમાં ભાગ લેવા દિલ્હી પહોંચી ગયો છે. તેને જ્યારે આ સંદર્ભનો ફોન આવ્યો ત્યારે તેને મજાક લાગી હતી, પણ પહેલી ઑગસ્ટે પોસ્ટ ખાતાના અધિકારીઓ તેના ઘરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોકલેલું આમંત્રણ-કાર્ડ લઈને પહોંચ્યા ત્યારે તેની ખુશીનો પાર નહોતો રહ્યો. તે એકદમ નર્વસ હતો, કારણ કે તેણે જીવનમાં આવું કદી વિચાર્યું નહોતું. તેને પ્રોટોકૉલની જાણ નથી અને ભાષાનો પણ સવાલ છે છતાં પરિવારે આપેલા પ્રોત્સાહનને કારણે તે દિલ્હી પહોંચી ગયો હતો.
ચિરંજીવી છેલ્લાં ૧૫ વર્ષથી તેનાલીમાં પાણીપૂરી વેચે છે. આ માટે તેણે શરૂઆતમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાંથી ૧૦,૦૦૦ રૂપિયાની લોન લીધી હતી અને એ ચૂકવી દીધા બાદ ૨૦,૦૦૦ અને પછી ૫૦,૦૦૦ રૂપિયાની લોન લઈને તેણે તેના બિઝનેસનો વ્યાપ વધાર્યો હતો. બધી લોન તેણે ચૂકવી દીધી છે અને તે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપે છે.
ADVERTISEMENT
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ આપે છે, પણ પહેલી વાર એક સામાન્ય માનવી સહિત ડૉક્ટરો, કૃષિક્ષેત્રના નિષ્ણાતો, ટીચર્સ અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને એમાં આમંત્રણ મોકલાયું છે.